
Supreme Court UAPA Bail: આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટેના કડક કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ એટલે કે UAPA હેઠળ નોંધાયેલા કેસોમાં જામીન આપવાના નિયમો અંગે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે UAPA કેસોમાં લાંબા સમયની જેલ અને જામીનના અધિકાર અંગે કોર્ટની જ બે અલગ-અલગ બેન્ચો વચ્ચે તીવ્ર મતભેદ પ્રવર્તે છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે જણાવ્યું કે આ મતભેદ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ ‘કાનૂની સિદ્ધાંતના મૂળ’ (Core Legal Principle) સાથે જોડાયેલો છે. આથી, ન્યાય પ્રણાલીમાં સર્જાયેલી આ અનિશ્ચિતતાને દૂર કરવા માટે આ સમગ્ર મામલાને એક મોટી બેન્ચ (Larger Bench) સમક્ષ મોકલવો જોઈએ અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એ આ માટે તાત્કાલિક મોટી બેન્ચની રચના કરવી જોઈએ.
દિલ્હી રમખાણોના ‘ષડયંત્ર’ કેસમાં મોટી રાહત
આ કાનૂની ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૦ ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘મોટા ષડયંત્ર’ કેસમાં જેલમાં બંધ બે મુખ્ય આરોપીઓ તસ્લીમ અહેમદ અને અબ્દુલ ખાલિદ સૈફીને માનવીય અભિગમ અપનાવીને છ મહિનાના વચગાળાના જામીન (Interim Bail) મંજૂર કર્યા છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે જામીન આપતા સ્પષ્ટ નોંધ્યું કે કોર્ટ એ વાસ્તવિક તથ્યને નજરઅંદાજ કરી શકે નહીં કે આ બંને આરોપીઓ પહેલેથી જ ઘણો લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવી ચૂક્યા છે. અદાલતે સ્વીકાર્યું કે આ કેસની ટ્રાયલ (સુનાવણી) નજીકના ભવિષ્યમાં ટૂંક સમયમાં પૂરી થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી અને બેન્ચો વચ્ચેના મતભેદના કારણે કાયદાની સ્થિતિ સ્પષ્ટ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે, તેથી આરોપીઓને લાંબો સમય જેલમાં ન રાખી શકાય.
આ સમગ્ર વિવાદની પાછળ આ જ વર્ષે જાન્યુઆરીમાં આવેલો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. જાન્યુઆરીમાં જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે દિલ્હી રમખાણોના આ જ વિવાદાસ્પદ ‘ષડયંત્ર’ કેસમાં જેનયુ (JNU) ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ સખત રીતે ફગાવી દીધી હતી. જો કે, આ જ કેસના અન્ય પાંચ સહ-આરોપીઓને કોર્ટે રાહત આપી દીધી હતી. તે સમયે અદાલતે દલીલ કરી હતી કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની ભૂમિકા તેમજ તેમની સામેના આરોપોની સ્થિતિ અન્ય આરોપીઓ કરતા ‘ગુણાત્મક રીતે સંપૂર્ણ અલગ’ (Qualitatively Different) છે, તેથી તેમને જામીન આપી શકાય નહીં. આ ચુકાદા બાદ દિલ્હી પોલીસે અન્ય આરોપીઓ સામે પણ આકરૂં વલણ અપનાવ્યું હતું.
જસ્ટિસ નાગરત્ના અને ભુઈયાની બેન્ચની આકરી ટિપ્પણી
આ વિવાદમાં નવો વળાંક આ જ અઠવાડિયે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટની અન્ય એક સમન્વય બેન્ચ, જેમાં જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયા સામેલ હતા, તેમણે એક અલગ કેસની સુનાવણી દરમિયાન જાન્યુઆરીના ચુકાદા સામે આકરી ટિપ્પણી કરી હતી. આ બેન્ચે જણાવ્યું કે જાન્યુઆરીનો આ ચુકાદો સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ‘યુનિયન ઓફ ઇન્ડિયા વિરૂદ્ધ કેએ નજીબ’ (KA Najeeb Case) ના લેન્ડમાર્ક જજમેન્ટમાં નક્કી કરાયેલા બંધારણીય સિદ્ધાંતને રીતસર ‘ખોખલો’ કરી દે છે. જસ્ટિસ નાગરત્નાની બેન્ચનું સ્પષ્ટ કહેવું હતું કે જો UAPA ના આરોપીઓ વર્ષોથી જેલમાં બંધ હોય અને ઝડપી ટ્રાયલ શક્ય ન હોય, તો બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવવાનો અને સ્વતંત્રતાનો અધિકાર) અંતર્ગત અદાલતો પર તેમને જામીન આપવાની કાનૂની જવાબદારી બને છે.
‘કાયદો તર્કપૂર્ણ મતભેદોથી જ વિકસે છે’: ન્યાયતંત્રમાં અનિશ્ચિતતા રોકવા મોટી બેન્ચ અનિવાર્ય
શુક્રવારે જસ્ટિસ કુમાર અને વરાલેની બેન્ચે બીજી બેન્ચની ટિપ્પણીઓ અને દિલ્હી પોલીસની માંગણીને ધ્યાને રાખીને સ્વીકાર્યું કે બે સમન્વય બેન્ચો વચ્ચે આવા કાનૂની મતભેદો થવા એ ‘ન તો અસામાન્ય છે અને ન તો અવાંછનીય.’ તેમણે ઉમેર્યું કે, ‘દેશનો કાયદો અવારનવાર આવા તર્કપૂર્ણ મતાંતરો દ્વારા જ વિકસિત થયો છે.. પરંતુ જ્યાં શંકા સીધી લાગુ પડતા કાનૂની સિદ્ધાંતના મૂળ સ્વરૂપ સાથે જોડાયેલી હોય, ત્યાં બાબતને માત્ર આલોચના કે ચર્ચાના સ્તરે છોડી શકાય નહીં.’ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ આ કાનૂની મડાગાંઠને કાયમી ધોરણે ઉકેલશે નહીં, ત્યાં સુધી દેશની સમગ્ર ન્યાય પ્રણાલીમાં યુએપીએ જામીનને લઈને ભારે અસમંજસ અને અનિશ્ચિતતા બનેલી રહેશે.
જસ્ટિસ નાગરત્નાની સ્પષ્ટતા અને દિલ્હી પોલીસની દલીલ
જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભુઈયાની બેન્ચે સોમવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘કેએ નજીબ’ ચુકાદો કોઈ એવો ગાણિતિક ફોર્મ્યુલા નથી કે જે કેસની સુનાવણીમાં વિલંબના આધારે UAPA ના આરોપીને ‘આપમેળે’ જામીનનો અધિકાર આપી દે. પરંતુ, કાયદાની મૂળ ભાવના એ છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી જેલ ભોગવી રહ્યો હોય અને સમયસર સુનાવણીની કોઈ આશા ન હોય, તો સુનાવણી પહેલાંની આ લાંબી કેદને સજાનું સ્વરૂપ આપી શકાય નહીં અને અટકાયત ગેરબંધારણીય બની જાય છે. બીજી તરફ, દિલ્હી પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હી રમખાણોના કથિત ‘ષડયંત્ર’ કેસમાં આરોપીઓની સંડોવણી સીએએ (CAA) વિરોધી દેશવ્યાપી હિંસક પ્રદર્શનો દરમિયાન સક્રિય રહેલા વોટ્સએપ ગ્રૂપોના આધારે સાબિત થાય છે, જેથી કાયદાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે મામલો મોટી બેન્ચને સોંપવો યોગ્ય છે.
આ પણ વાંચો:







