
CBSE OSM Marking Controversy: દેશમાં ૨G, કોલગેટ કે ઈસરો દેવાસ જેવા આર્થિક કૌભાંડોએ તો માત્ર સરકારી તિજોરી લૂંટી હતી, પરંતુ વર્તમાન શાસનમાં શિક્ષણ વ્યવસ્થામાં જે સડો પેસી ગયો છે તે સીધો દેશની આગામી પેઢીને જંગલી જાનવરોની જેમ કચડી રહ્યો છે. તાજેતરના અહેવાલે સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. આજે સીબીએસઈ (CBSE) ના ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાની જ માર્કશીટ જોઈને આઘાતમાં છે અને સ્કેન્ડ માર્કશીટ મંગાવવા મજબૂર બન્યા છે. આ હવે માત્ર કોઈ ભૂલ નથી, પરંતુ એક આયોજિત મહાકૌભાંડ છે. જે વિદ્યાર્થીઓ જેઈઈ (JEE) જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરી રહ્યા છે, તેમને સીબીએસઈમાં નાપાસ કરી દેવાયા છે. પ્રિલિમ્સમાં ૯૦થી વધુ માર્ક્સ મેળવનારા હોંશિયાર વિદ્યાર્થીઓને માત્ર ૧૮-૨૦ માર્ક્સ આપીને તેમના ભવિષ્યને લૉટરીના ભરોસે છોડી દેવાયું છે. આ ગંભીર લાપરવાહી પાછળ શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને સીબીએસઈના ચેરમેન સીધા જવાબદાર છે, જેમની જોહુકમીના કારણે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા જેવું કમનસીબ પગલું ભરી શકે છે.
હાઈટેક ઓએસએમ સિસ્ટમનો મોટો ફિયાસ્કો
સરકારે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) ના નામે ડિજિટલ અને પારદર્શક સિસ્ટમ લાવવાના મોટા-મોટા બણગાં ફૂંક્યા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સિસ્ટમ માત્ર કમાણી કરવાનું સાધન બની ગઈ છે. વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ જે રીતે સ્કેન કરવામાં આવી, તે સ્કેન અત્યંત ધૂંધળા, કપાયેલા, અસ્પષ્ટ અને ખૂણા વગરના હતા. જે શિક્ષકો પેપર ચેક કરવા બેઠા, તેમને અક્ષરો જ ઉકેલાતા નહોતા. આવી ૧૩,૦૦૦ થી વધુ બુકલેટ સામે આવી જેને છેલ્લે મેન્યુઅલી ચેક કરવી પડી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે સીબીએસઈએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે વિદ્યાર્થીઓ પર જ દોષ મઢી દીધો કે તેમણે ઝાંખી પેનથી લખ્યું હતું. વિદ્યાર્થીઓએ જ્યારે પોતાના પેપર મંગાવ્યા ત્યારે ખબર પડી કે તેમને પોતાના બદલે બીજા કોઈ અજાણ્યા વિદ્યાર્થીનું પેપર પધરાવી દેવાયું છે.
તાલીમ વગરના શિક્ષકો અને સ્પીડનું આંધળું દબાણ
આ આખી આઇટી સિસ્ટમ એટલી ભંગાર અને ખામીયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે પેપર ચેક કરનારા ઇવેલ્યુએટર્સ (Evaluators) પણ ત્રાસી ગયા છે. શિક્ષકોને આ નિકૃષ્ટ સોફ્ટવેર ચલાવવાની કોઈ પ્રોપર ટ્રેનિંગ જ આપવામાં આવી નહોતી. સોફ્ટવેર વારંવાર રીસેટ થઈ જતું, લોગિન પ્રોબ્લેમ થતા અને સરકારી બાબુઓ દ્વારા શિક્ષકો પર એવું દબાણ કરાતું કે ‘ચોકસાઈ’ (Accuracy) ને ગોળી મારો અને માત્ર ‘ઝડપ’ (Speed) પર ધ્યાન આપો. સીબીએસઈની પોતાની ગવર્નિંગ બોડીએ દેશની ૨૨ પ્રાદેશિક કચેરીઓમાં આ સિસ્ટમનો સેમ્પલ ટેસ્ટ (Dry Run) કરવા ભલામણ કરી હતી, પરંતુ અહંકારી સત્તાધીશોએ તે હવામાં ઉડાવી દીધી. દિલ્હીના ૧૦૦ થી વધુ શિક્ષકોએ આ સિસ્ટમને તાત્કાલિક લાગુ ન કરવા ચેતવણી આપી હોવા છતાં, વિદ્યાર્થીઓને લેબોરેટરીના ઉંદર સમજીને તેમના પર આ અણઘડ સિસ્ટમ થોપી દેવાઈ.
કૌભાંડી કોન્ટ્રાક્ટર કંપનીઓને સરકારી લહાણી
બધું જ કોન્ટ્રાક્ટ પર આપીને કમિશન ખાવાની સરકારી નીતિના કારણે આ વખતે પેપર ચેકિંગનો કોન્ટ્રાક્ટ ‘COEMPT’ નામની ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો હતો. આ એ જ કંપની છે જેણે ૨૦૧૯ માં ‘Globarena’ ના નામે તેલંગાણામાં પરીક્ષાઓ લીધી હતી અને તેના લોચાના કારણે ૨૫ થી વધુ માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે ૧૮.૫ લાખ બાળકોના ભવિષ્ય સાથે રમત રમતી આવી બ્લેકલિસ્ટ કંપનીઓ સાથે નરેન્દ્ર મોદી સરકારને શું લેવા-દેવા છે? તેમનું ઓડિટ કેમ નથી થતું? સંજના અને વેદાંત જેવા અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થીઓના કિસ્સા સામે આવ્યા છે, જેમાં ૭૦ માંથી માત્ર ૧૧ માર્ક્સ અપાયા અને જ્યારે પેપર જોયું તો જવાબો તેમના હતા જ નહીં. એમસીક્યુ (MCQ) એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચનમાં કાં તો જવાબ સાચો હોય કે ખોટો, છતાં આ આંધળી સિસ્ટમે વિદ્યાર્થીઓને ૦.૫ (અડધો) માર્ક આપ્યો છે, જે સાબિત કરે છે કે કોઈએ પેપર જોયા વગર જ આંકડા ફાડી માર્યા છે.
૧૯ વર્ષના છોકરાએ ખોલી હોશિયારીની પોલ
ડિજિટલ ઈન્ડિયા અને સાયબર સિક્યોરિટીના બણગાં ફૂંકતી સીબીએસઈની વેબસાઈટ એટલી સડેલી અને ભંગાર કોડિંગ વાળી છે કે નિસર્ગ અધિકારી નામના એક ૧૯ વર્ષના સામાન્ય છોકરાએ આખી વેબસાઈટ સરેઆમ હેક કરીને સોશિયલ મીડિયા પર પુરાવા મૂકી દીધા. આ વેબસાઈટમાં માસ્ટર પાસવર્ડ (Master Password) જાવાસ્ક્રિપ્ટ (JavaScript) ની અંદર હાર્ડ-કોડેડ રાખવામાં આવ્યો હતો, જેને કોઈ પણ સામાન્ય યુઝર જોઈ શકે. વેબસાઈટમાં કોઈ ઓટીપી (OTP) કે ડબલ વેરિફિકેશન સિસ્ટમ જ નહોતી, જેના કારણે કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસીને સુપરવાઈઝરનો પાસવર્ડ બદલી શકે અને વિદ્યાર્થીઓના માર્ક્સમાં ગમે તેવા ફેરફાર કરી શકે. જ્યારે આ ભોપાળું છતું થયું, ત્યારે સીબીએસઈએ આબરૂ બચાવવા બહાનું કાઢ્યું કે એ તો અમારી ‘સેમ્પલ સાઈટ’ હતી. જો સેમ્પલ સાઈટ હતી તો રીવેલ્યુએશનનું પોર્ટલ વારંવાર કેમ ક્રેશ થઈ રહ્યું છે અને ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી ₹૧ થી લઈને ₹૭૦,૦૦૦ સુધીની લૂંટ કેમ ચલાવાઈ રહી છે?
મીડિયાનું પાકિસ્તાની કનેક્શન અને સરકારી બહેરાશ
આ આખી સિસ્ટમ વંદા કરતાં પણ બદતર બની ગઈ છે. જ્યારે પીડિત વિદ્યાર્થી વેદાંતે સોશિયલ મીડિયા પર ન્યાય માંગ્યો, ત્યારે ગોદી મીડિયા (Godi Media) અને આઈટી સેલ (IT Cell) ના કહેવાતા વરિષ્ઠ પત્રકાર અશોક શ્રીવાસ્તવે વિદ્યાર્થીના ટ્વિટર લોકેશનમાં ‘દક્ષિણ એશિયા’ લખેલું જોઈને તેને દેશદ્રોહી અને ‘પાકિસ્તાની’ જાહેર કરી દીધો. આ દેશની કમનસીબી છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના ભવિષ્ય માટે સવાલ ઉઠાવે ત્યારે આ ભ્રષ્ટ તંત્ર અને મીડિયા તેને પાકિસ્તાની કહીને બદનામ કરવા લાગે છે. શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમાર પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જૂઠું બોલે છે કે ઓએસએમ તો ૨૦૧૪ થી સાબિત થયેલી સિસ્ટમ છે. હવે આ કૌભાંડને દબાવવા માટે આઈઆઈટી મદ્રાસ (IIT Madras) ને તપાસ સોંપવામાં આવી છે. છેલ્લા ૭ વર્ષમાં દેશમાં ૬૦ થી વધુ પેપર લીક થયા છે. સરકારમાં થોડી પણ શરમ બચી હોય તો આ ભ્રષ્ટ પરીક્ષા પદ્ધતિને તાત્કાલિક હોલ્ડ પર મૂકીને તમામ પેપર્સ ફરીથી સાચી રીતે ચેક કરાવવા જોઈએ.
આ પણ વાંચો:







