
Kurian Joseph Committee Report Vijay: તમિલનાડુના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ છ મહિનામાં જોસેફ વિજયે કેન્દ્ર સરકાર સાથે ટકરાવ ટાળવાનું વલણ અપનાવ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની વિપક્ષની માગ જેવા મુદ્દાઓ પર તેમણે મૌન રાખ્યું છે. હવે કેન્દ્ર અને રાજ્યોના સંબંધોની સમીક્ષા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિને અચાનક રદ કરવાના નિર્ણયથી આ ચર્ચા વધુ વેગવાન બની છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કુરિયન જોસેફના અધ્યક્ષપદ હેઠળ આ સમિતિની રચના એપ્રિલ 2025માં અગાઉની તમિલનાડુ સરકારે કરી હતી. તેનો મુખ્ય હેતુ સંઘીય વ્યવસ્થા સામેના પડકારો અને રાજ્યોની સ્વાયત્તતા અંગે અભ્યાસ કરીને સુધારાનાં સૂચનો આપવાનો હતો.
કુરિયન જોસેફ સમિતિની મહત્ત્વપૂર્ણ ભલામણો
કુરિયન જોસેફ સમિતિએ 1 જૂન 2025થી કામ શરૂ કર્યું હતું અને 16 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાનો પ્રથમ અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. આ પ્રકારની પહેલ પહેલાં રાજામન્નાર સમિતિ (1969-71), સરકારિયા સમિતિ (1983-1988) અને પુંછી સમિતિ (2007-2010) દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટમાં બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી ઉપરાંત મોટા ભાગના કિસ્સાઓમાં રાજ્ય વિધાનસભાઓની મંજૂરી જરૂરી બનાવવાનું સૂચન કરાયું હતું. રાજ્યપાલની નિમણૂક માટે રાજ્ય વિધાનસભાની બહુમતીનું સમર્થન ધરાવતા ત્રણ ઉમેદવારોમાંથી પસંદગી કરવાની અને રાજ્ય વિધાનસભાની બહુમતીથી રાજ્યપાલને દૂર કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
સમિતિએ રાજ્યની સરહદો કે પ્રદેશમાં ફેરફાર કરતાં પહેલાં સંબંધિત રાજ્યોની સંમતિ લેવાનું સૂચવ્યું હતું. નવા રાજ્યની રચનામાં વિધાનસભા સંમત ન થાય તો જનમત સંગ્રહનો વિકલ્પ પણ રજૂ કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા 75 ટકા મતદારોની ભાગીદારી અને બે-તૃતીયાંશ બહુમતીની શરત સૂચવાઈ હતી.
ભાષા, ચૂંટણી અને શિક્ષણ અંગે સૂચનો
રિપોર્ટમાં ‘એક દેશ, એક ભાષા’ના વિચારને નકારીને બે ભાષાના સૂત્રની ભલામણ કરવામાં આવી હતી. અંગ્રેજીને સરકારી કામકાજની કાયમી ભાષા તરીકે માન્યતા આપવા બંધારણની કલમ 343માં ફેરફાર કરવાનું સૂચન પણ કરાયું હતું.
સીમાંકન અંગે સમિતિએ 2126 સુધી અથવા તમામ રાજ્યોનો કુલ પ્રજનન દર લગભગ સમાન થાય ત્યાં સુધી 1971ની વસ્તીગણતરીના આધારે લોકસભાની બેઠકોની ફાળવણી ચાલુ રાખવાનું સૂચવ્યું હતું. રાજ્યસભામાં દરેક રાજ્યને સમાન છ બેઠકો આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
સમિતિએ ‘એક દેશ, એક ચૂંટણી’ના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. પક્ષપલટાને કારણે સભ્યપદ ગુમાવનારા જનપ્રતિનિધિઓને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું હતું. લોકસભા અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચને, જ્યારે વિધાનસભાની ચૂંટણીની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચને સોંપવાની ભલામણ કરવામાં આવી હતી.
શિક્ષણને સમવર્તી યાદીમાંથી હટાવી રાજ્ય યાદીમાં મૂકવાની, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) રદ કરવાની અને NEET પરીક્ષાઓ બંધ કરવાની ભલામણ પણ રિપોર્ટમાં હતી. મેડિકલ પ્રવેશ અને આરોગ્ય ક્ષેત્રના આયોજનની જવાબદારી રાજ્યો તથા યુનિવર્સિટીઓને પાછી સોંપવાની વાત કરવામાં આવી હતી.
GST અને રાજ્યોના નાણાકીય અધિકારો
GST અંગે સમિતિએ કહ્યું હતું કે GST કાઉન્સિલના નિર્ણયો ભલામણરૂપ છે અને કેન્દ્ર તથા રાજ્યોના કાયદાકીય અધિકારોને મર્યાદિત ન કરવા જોઈએ. સ્વતંત્ર GST કાઉન્સિલ સચિવાલય અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોનું વિવાદ નિવારણ પ્રાધિકરણ બનાવવાનું સૂચન પણ કરાયું હતું.
આ રિપોર્ટ ફેબ્રુઆરીમાં તમિલનાડુ વિધાનસભામાં રજૂ થયો હતો. ભૂતપૂર્વ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી. સર્વનન, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને કાયદાના નિષ્ણાત ફૈઝાન મુસ્તફા સહિતના લોકોએ તેની પ્રશંસા કરી હતી.
બીજો ભાગ સોંપતા પહેલાં સમિતિ રદ
સમિતિએ પોતાના અહેવાલનો બીજો ભાગ 31 મે 2027 સુધીમાં આપવાનો હતો. તેમાં કટોકટી, આંતરરાજ્ય નદીજળ વિવાદ, સ્થાનિક શાસન, આબોહવા પરિવર્તન, ખનિજ સંપત્તિ અને કેન્દ્ર-રાજ્યોના આર્થિક અધિકારો જેવા મુદ્દાઓ આવરી લેવાના હતા.
પરંતુ 6 નવેમ્બર 2026ના રોજ વિજય સરકારે સમિતિનો કાર્યકાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો અને બાકીનું કામ રાજ્યના કાયદા પંચને સોંપ્યું. સરકારની દલીલ હતી કે સમિતિની રચના સરકારી આદેશથી થઈ હોવાથી તે કાયદાકીય સંસ્થા નથી અને કાયદા પંચ પણ આ કામ કરી શકે છે. જોકે, સમિતિના નિર્ણયની ટીકા કરનારાઓનું કહેવું છે કે કાયદા પંચની રચના પણ સરકારી આદેશથી જ કરવામાં આવે છે.
સંઘીય વ્યવસ્થા અંગે રાજકીય ચર્ચા
સમિતિ રદ કરવાના નિર્ણયને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સંતુલન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટના સમર્થકોના મતે, કેન્દ્ર પાસે આર્થિક, વહીવટી અને રાજકીય સત્તાનું વધતું કેન્દ્રીકરણ રાજ્યોની સ્વાયત્તતા માટે પડકારરૂપ છે. રાજ્યપાલના પદનો ઉપયોગ અને ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા પ્રસ્તાવો પણ આ ચર્ચાનો ભાગ છે.
તમિલનાડુમાં દ્રવિડ રાજકારણ લાંબા સમયથી રાજ્યોના અધિકારો અને સંઘીય વ્યવસ્થાની તરફેણ કરતું રહ્યું છે. તેથી કુરિયન જોસેફ સમિતિને રદ કરવાનો નિર્ણય માત્ર વહીવટી ફેરફાર નહીં, પરંતુ રાજ્યની રાજકીય વિચારધારા સાથે જોડાયેલો મુદ્દો બન્યો છે. જોસેફ વિજયના આ નિર્ણયથી કેન્દ્ર-રાજ્ય સંબંધો અને તમિલનાડુ સરકારના વલણ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.








