
- અમદાવાદના સરદારનગર ખાતે કુબેરનગર પાસેના આઝાદ ચોકમાં મંગળવારે રાત્રે બનેલી ઘટના
- બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થયેલાં લોકોએ આગ ઓલવી માતા – પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં હતાં.
Ahmedabad News । પતિ – પત્ની વચ્ચેના ઝગડામાં દીકરીનું ઉપરાણું લઇ સાસુ વચ્ચે પડતાં અકળાયેલા જમાઈએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે બની હતી. સરદારનગરના કુબેરનગર પાસે આવેલા આઝાદ ચોક ખાતેનાં એપાર્ટમેન્ટ આવેલાં બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થઈ ગયેલાં લોકોએ આગ ઓલવી તાત્કાલિક માતા – પુત્રીને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પરીણીતાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે સરદારનગર પોલીસે આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી ઝગડાના કારણો સહિતની બાબતે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરદારનગરના કુબેરનગરમાં રહેતી અશોક રાજપૂતની પત્ની આઝાદ ચોક પાસે બ્યૂટિપાર્લર ધરાવતી હતી. અશોક અને તેની પત્ની વચ્ચે છેલ્લાં ઘણાં મહિનાઓથી ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. જોકે, હાલના તબક્કે ઝગડો કયા કારણોસર ચાલતો હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી.
મંગળવારે રાત્રે અશોક રાજપૂત પત્નીના બ્યૂટિપાર્લર પર ગયો હતો. તે વખતે પણ પતિ – પત્ની વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો હતો. દીકરી સાથે જમાઈનો ઝઘડો ઉગ્ર બનતાં ત્યાં હાજર માતાએ પણ દીકરીનો પક્ષ લઈ દલીલો કરી હતી. જેને પગલે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝગડા દરમિયાન જ ઉશ્કેરાઈ ગયેલા અશોક રાજપૂતે પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું અને ત્યારબાદ આગ ચાંપીને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બ્યૂટિપાર્લરમાંથી આગની જ્વાળાઓ અને માતા – પુત્રીની ચીસોને પગલે કોમ્પ્લેક્સના અન્ય દુકાનદારો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દોડી આવેલાં લોકોએ તાબડતોબ આગ ઓલવીને માતા – પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.
બનાવને પગલે આઝાદ ચોક વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, આ અંગે જાણ થતાં સરદારનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સરદારનગર પોલીસ મથકના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે મિડીયાને બનાવ અંગે જણાવ્યું હતું કે, ઘરકંકાસને કારણે પતિએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો બચાવ થયો છે. હાલ સારવાર ચાલી રહી છે. બનાવને અંજામ આપનાર અશોક રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ








