
Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે બ્રિટિશ નાગરિકોના પરિવારજનોને ખોટા મૃતદેહો સોંપવામાં આવ્યા હોવાના બ્રિટિશ મીડિયાના દાવાને વિદેશ મંત્રાલયે ફગાવી દીધો. મંત્રાલયે કહ્યું કે તમામ મૃતદેહો ખૂબ જ જટિલતાંપૂર્વક તપાસી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, અને તેમની ગરિમાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો કે બ્રિટનનો દાવો સાચો હોય તો આવું કેટલા પિડિતો સાથે થયું હશે તે પણ સવાલો ઉભા થાય છે.
12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં સવાર 242 લોકોમાંથી 241 લોકો, જેમાં ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. જ્યારે જમીન પર 19ના લોકોના પણ મોત થયાનું સરકારે સ્વીકાર્યું હતુ.
ખોટા મૃતદેહ સોંપણી અંગે ભારતે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “અમે ડેઇલી મેઇલનો અહેવાલ જોયો છે. આ મુદ્દાઓ અમારા ધ્યાન પર આવ્યા પછી અમે યુકે સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. દુર્ઘટના પછી, સંબંધિત અધિકારીઓએ સ્થાપિત પ્રોટોકોલ મુજબ મૃતકોની ઓળખ કરી હતી. અમે આ મુદ્દાને લગતી કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.
બ્રિટિશ અખબારે શું દાવો કર્યો હતો?
બ્રિટિશ અખબારે બે પરિવારોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના મૃતદેહ સોંપવામાં ભયંકર ગડબડ થઈ હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શોકગ્રસ્ત પરિવારોને ફરી એકવાર ઊંડો દુઃખ સહન કરવો પડી રહ્યો છે કારણ કે તેમના પ્રિયજનોના મૃતદેહોને ઘરે મોકલતા પહેલા ખોટી રીતે ઓળખ કરવામાં આવી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકના સંબંધીઓને અંતિમ સંસ્કાર કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેના શબપેટીમાં તેમના પરિવારના સભ્યને બદલે અજાણ્યા મુસાફરનો મૃતદેહ હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ખોટી ઓળખના બે કેસ નોંધાયા છે, વધુમાં શંકા છે કે આવું અનેક સ્વજનો સાથે થયું હશે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171, જે બોઇંગ 787-8 દ્વારા સંચાલિત હતી, જે 12 જૂનના રોજ લંડનના ગેટવિક જઈ રહી હતી, તે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા . આ સાથે જમીન પર 19 અન્ય લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો:
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?