
Bhavnagar: ભાવનગરમાં મનપા એટલું નઠોર બની ગયું છે કે, લોકો પોતાને થતી હાલાકીની વારંવાર રજૂઆતો કરે છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ભાવનગર શહેરના ગઢેચી વડલાથી જવેલ્સ સર્કલ જવા ઓવરબ્રિજ નીચેનો માર્ગે પર આવેલ સર્વિસ રોડની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. જ્યાં ખાડા ખોદેલા માર્ગ, ધૂળમાટી અને વરસાદી પાણીના ભરાવાને કારણે સ્થળ પર વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા શાળાજીવન, ઓફિસ સમય તેમજ વેપારી પરિવહન માટે ઉપયોગમાં લેવાતા આ માર્ગે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ વધતી જઈ રહી છે.
બિસ્માર સર્વિસ રોડથી લોકોને હાલાકી
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ફલાય ઓવર બ્રિજનો સર્વિસ રોડ ખુબ જ બિસ્માર થયો છે. પરંતુ મહાનગરપાલિકાનાં તંત્ર દ્વારા લોકોનું જે થવું હોય તે ભલે થાય અમે નહિ સુધારીએ તે પ્રકારનો ઘાટ અહીં ઘડાયો છે. રોજિંદી શાળા, ઓફિસ અને વેપાર ધંધાનાં દિશામાં ઉપયોગમાં લેવાતા આ માર્ગે ખાસ કરીને વાહન ચાલકો, રિક્ષા ચાલકો, વૃદ્ધો અને બાળકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પરની હાલત અકસ્માતોનું જોખમ વધારી રહી છે. સ્થાનિક દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું મહૂર્ત નથી આવ્યું જેને કારણે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ભય નો સામનો કરી રહ્યા છે
અનેક રજૂઆતો છતા તંત્રના પેટનું પાણી ન હલ્યું
સ્થાનિક રહીશો અને દુકાનદારો અનેક વખત પાલિકા તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. તેમ છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નાગરિકો માંગ કરી રહ્યાં છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ હાથ ધરે અને નાગરિકોને રાહત આપે.હવે જોવાનું એ રહેશે કે શાસન તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને કઈ ઝડપે કામગીરી હાથ ધરે છે.
અહેવાલ : નીતિન ગોહેલ








