
આજે બુધવારે દિલ્હીમાં નવી સંસદ ભવન સામે એક વ્યક્તિએ પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રાયસ કર્યો છે. આ ઘટનાથી ભાગદોડ મચી ગઈ છે. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે અને ઘાયલને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ રેલ ભવન પાસે પોતાની જાતને આગ લગાવી દીધી અને સંસદ ભવન તરફ ભાગ્યો. જે બાદ પોલીસકર્મીઓએ જાણ થતાં જ તેને રોકી લઈ ધાબળો ઓઢીને આગ બુઝાવી દીધી હતી. આ ઘટનામાં વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસને સ્થળ પરથી બે પાનાની અડધી બળેલી નોટ મળી આવી છે. હજુ સુધી વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યાં વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તે જગ્યાએ બેરિકેડ કરીને સ્થાનિક પોલીસ તૈનાત કરવામાં આવી છે.







