
● ગોપાલ ઇટાલિયા ઉપર ‘જોડા’ ફેંકવાની બીજી ઘટનાથી નેતાની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ ;જુતું મારવાનો પ્રયાસ કરનાર શબ્બીર મીરે કહ્યું ‘જુતું ફેંકવા મને 50,000 આપવાની ઓફર થઈ હતું!”
Gopal Italia: ગુજરાતમાં આપ નેતા ગોપાલભાઈ ઇટાલીયા ઉપર ફરી વધુ એક વખત જુતું ફેકવાનો પ્રયાસ થયો હતો જોકે,જે વ્યક્તિ જુતું ફેંકવા બરાબર સ્ટેજ સામે બેઠો હતો તેની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી કારણ કે તેણે ઉભા થઇ જેવું પોતાના પગમાંથી જોડું કાઢ્યું કે તરતજ ત્યાં ઉભેલા કાર્યકરે તેને દબોચી લીધો હતો એટલે જોડું પગ માંથી કાઢ્યું ખરું પણ ઘા કરી શક્યો ન હતો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.
વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે તા. 16 જાન્યુઆરીની રાત્રે ‘ખેડૂત સન્માન સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જ્યારે સ્ટેજ પરથી પોતાનું ભાષણ આપી રહ્યા હતા,તે સમયે એક અજાણ્યા ઇસમે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
ગોપાલ ઇટાલીયા સભામાં પોતાના આગવા અંદાજમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે સ્ટેજ સામે નીચે બેઠેલો એક શખ્સ ઉભો થયો અને જૂતું કાઢીને ફેંકવાનો પ્રયાસમાં હતો તે સમયે ત્યાં હાજર જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે ત્વરિત તેને ઝડપી લીધો હતો, દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
બીજી તરફ પોલીસ હાલ પકડાયેલા શખ્સનો ઈરાદો શુ હતો તે મામલે તપાસ કરી રહી છે.આ ઘટનાને લઈ ફરી એકવાર ‘જૂતા ફેંક’ વાળો મામલો ચર્ચામાં આવ્યો છે.
જુતું ફેકનાર ઇસમનું નામ શબ્બીર મીર ઉર્ફે શબ્બીર મહંમદ હુસેન પરમાર હોવાનું સામે આવ્યું છે તેણે કહ્યું હતું કે કેટલાક લોકોએ મને લાલચ આપી હતી કે, તમારે એક કામ કરવાનું છે અને તેના બદલામાં તમને પૈસા મળશે. મને કહેવામાં આવ્યું હતું કે, તમારે ગોપાલ ઈટાલિયાને જૂતું મારવાનું છે. તેઓ રૂ. 50,000 આપવાની વાત કરતા હતાં અને કહેતા હતા કે, તેમાંથી અડધા અત્યારે કરાવી આપીશ આ રીતે મને ઓફર આપીને તેઓએ તૈયાર કર્યો હતો.
તેણે કહ્યું કે આમાં ભંડુરી રામજીભાઈનો છોકરો મીત તેમજ બાબુભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિ હતા, જેઓ પોતાની ગાડી લઈને આવ્યા હતા. તેમની સાથે એક ડ્રાઈવર પણ હતો જે પોતાને પોલીસમાં હોવાનું કહેતો હતો. તેણે મને આશ્વાસન આપ્યું હતું કે, તમે આ કામ કરજો, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં,તેથી તેણે જુતું ફેકવાનો પ્રયાસ કર્યો હોવાનું કબુલ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જામનગરમાં ગોપાલ ઇટલીયા ભાષણ આપી રહયા હતા ત્યારે પણ તેમના ઉપર જુતું ફેંકાયું હતું પણ ગોપાલભાઈ નીચા નમી જતા જુતું તેમને વાગ્યું ન હતું.આ ઘટના બાદ જૂનાગઢના ગડુ ગામે ફરી એકવાર તેઓ ઉપર જોડું ફેકવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.જોકે,આ ઘટના બીજીવાર બનતા નેતાની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહયા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









