
દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. દિલ્હીમાં જીવવા જેવું રહ્યું નથી. હેલ્થ ઈમરજન્સીની સ્થિતિ ઉભી થતાં નબળા ફેફસાં ધરાવતા લોકોને તાત્કાલિક દિલ્હી છોડી દેવા જણાવાયું છે. AIIMSના પૂર્વ ડિરેક્ટર અને દેશના પ્રમુખ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધ્યું છે. સીપીસીબીના ડેટા મુજબ રાજધાનીના અનેક મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ રહી છે.
દિલ્હીની ઝેરી હવા PM 2.5 અને PM 10 નામના કણોથી પ્રભાવિત છે. PM 2.5 ખૂબ જ સૂક્ષ્મ કણો છે, જે 2.5 માઇક્રોમીટર કરતા નાના છે. તે એટલા નાના છે કે તે સરળતાથી ફેફસાં સુધી પહોંચી જાય છે. દરમિયાન, PM 10 કણો થોડા મોટા છે (10 માઇક્રોમીટર સુધી) રવિવારે, PM 2.5 ની સાંદ્રતા પ્રતિ ઘન મીટર 189.6 માઇક્રોગ્રામ હતી, જે સામાન્ય કરતા ઘણી વધારે છે,પરિણામે ડોક્ટર્સનું કહેવું છે કે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે અહીં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ભારપૂર્વક કહ્યું છે કે રાજધાનીમાં હાલમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે,હાલમાં દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે તેઓએ ઉમેર્યું કે દેશમાં એક સમયે ઉભી થયેલી COVID-19ની સ્થિતિ કરતાં પણ દિલ્હીની હાલની સ્થિતિ વધુ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. હાલમાં પ્રદૂષણ લોકોના ફેફસાંને તો અસર કરી જ રહ્યું છે પણ શરીરમાં લોહી સુધી પહોંચી ગયું છે અને શરીરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. PM 2.5 જેવા સૂક્ષ્મ કણો માનવ રક્તમાં ભળી રહ્યા છે, બ્લડ પ્રેશરમાં વધારો થઈ રહ્યો છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હકીકતતો એ છે કે જો કોઈ વ્યક્તિ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે તો પણ ડેથ સર્ટિફિકેટમાં એર પોલ્યૂશનને કારણ તરીકે સૂચિબદ્ધ કરવામાં નથી આવતુ જેથી તે ખૂબજ ગંભીર છે.
સત્ય એ જ છે કે વર્તમાનમાં જેટલી પણ ગંભીર બીમારીઓ છે તેમાં પ્રદૂષણ એક નિર્ણાયક પરિબળ બની ગયું છે. પ્રદૂષણની અસરો માત્ર શરીર સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. લોકોમાં થાક, સુસ્તી અને મૂડ સ્વિંગની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે ત્યારે કાંતો દિલ્હી છોડી દો અથવા ઘરમાં પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ સાવચેતી રાખવા જણાવાયુ છે અને માસ્ક પહેરવા સહિત ઘરોમાં એર ફિલ્ટરનો ઉપયોગ ઉપર ભાર મુક્યો છે.
લોકોમાં આંખોમાં ખંજવાળ, ગળામાં દુખાવો, ખાંસી અને ફેફસાંના ચેપની ફરિયાદો વધી છે. દરમિયાન,દિલ્હી સરકારે લોકોને કારણ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દમ કે ફેફસાંની બીમારીઓથી પીડિતોને સાવધાની રાખવા જણાવાયું છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી મુજબ દિવાળી દરમિયાન, જ્યારે પ્રદૂષણ ટોચ પર હતું, ત્યારે હવા ગુણવત્તા દેખરેખ કરતા 37 સ્ટેશનોમાંથી ફક્ત નવ કાર્યરત હતા જે પ્રદૂષણની વાસ્તવિક સ્થિતિ જાણી શકાતી નહિ હોવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે CAQM અને CPCB પાસેથી કાર્યવાહીનાઅહેવાલો માંગ્યા છે.
દેશની રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધ્યું છે, જેના કારણે રવિવારે શહેરની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, AIIMS અને આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 421 પર પહોંચી ગયો છે, જે તેને ‘ગંભીર’ શ્રેણીમાં લાવે છે. શનિવારે, દિલ્હીનો સરેરાશ AQI 245 હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે.
સીપીસીબીના ડેટા અનુસાર, રાજધાનીના અનેક મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે ‘ખૂબ જ ખરાબ’ સ્તરે રહી હતી. આજે સવારે 8 વાગ્યે, આનંદ વિહાર (298), અલીપુર (258), અશોક વિહાર (404), ચાંદની ચોક (414), દ્વારકા સેક્ટર-8 (407), આઇટીઓ (312), મંદિર માર્ગ (367), ઓખલા ફેઝ-2 (382), પટપડગંજ (378), પંજાબી બાગ (403), આરકે પુરમ (421), લોધી રોડ (364), રોહિણી (415) અને સિરીફોર્ટ (403) જેવા મુખ્ય મોનિટરિંગ સ્થળોએ હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) નોંધવામાં આવ્યો હતો. આમાંથી મોટાભાગના રીડિંગ્સ શહેરને ‘ખૂબ જ ખરાબ’ અથવા ‘ગંભીર’ શ્રેણીમાં મૂકે છે.
વધતા પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે અધિકારીઓએ શહેરના અનેક ભાગોમાં ટ્રક-માઉન્ટેડ પાણીના છંટકાવ અને અન્ય ધૂળ નિયંત્રણ પગલાંનો ઉપયોગ વધુ તીવ્ર બનાવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં બગડતી હવાની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 1 નવેમ્બરથી દિલ્હીની બહારથી આવતા તમામ BS-III અને તેનાથી નીચેના વાણિજ્યિક માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
દિલ્હી ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ટીમના સબ ઇન્સ્પેક્ટર ધર્મવીર કૌશિકે જણાવ્યું હતું કે, “BS-III વાહનોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેમને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નથી. આ ફક્ત માલવાહક વાહનોને લાગુ પડે છે; પેસેન્જર વાહનો પર કોઈ પ્રતિબંધ નથી.”
આ પણ વાંચો:
Delhi: દિલ્હીથી વૈભવી કાર સસ્તામાં મળી જશે!, સરકારે નિયમ બદલ્યો!, જાણો
Paresh Dhanani: ‘આપ અને બાપ બંને એક જ માની પેદાશ’, પરેશ ધાનાણી આવું કેમ બોલ્યા?
કડદાનો વિરોધ કરનારા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ, શું છે કારણ? | Raju Karpada
Ahmedabad: દારૂ પીને ટલ્લી થઈ ગયેલા પોલીસ સબ ઇન્સપેક્ટરને પબ્લિકે ભણાવ્યો પાઠ!, જુઓ








