
- પરસેવાથી લથપથ થવા તૈયાર થઈ જાઓ; ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત
રાજ્યના શહેરોમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. તો ગ્રામીણ વિસ્તારમાં પણ બપોરના સમયે પંખા ચાલું કરવા પડી રહ્યાં છે, પરંતુ રાત્રે ગ્રામીણ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. પરંતુ શહેરોમાં ગરમી શરૂ થઈ ગઈ છે.
આગામી સમયમાં પરસેવોવાળી દે તેવી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉચકાઈ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, શિવરાત્રિના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણમાં બફારા સાથે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે.
આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં 35 ડિગ્રીથી લઈને 37.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વર્તમાન સમયમાં અનુભવાઈ રહ્યું છે. જેમાં શિવરાત્રી પછી બે-ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેથી ગુજરાતમાં સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર ગરમી પહોંચી જશે. તેથી હવે આગામી સમયમાં પરસેવો પાડવા માટે તૈયાર થઈ જશે.
આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો







