
- આપ નેતાને ઓફર- અમારા સાથે આવી જાઓ તો મંત્રી પદ અને 15 કરોડ રૂપિયા
દિલ્હી સરકારમાં મંત્રી અને સુલતાનપુર મઝરાથી ઉમેદવાર મુકેશ અહલાવતે દાવો કર્યો છે કે તેમણે અજાણ્યા નંબરથી ફોન ઉપર આપ પાર્ટીને છોડી દેવાની ઓફર કરવામાં આવી છે.
તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે “મને એક નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે તેમની સરકાર બની રહી છે. જો હું AAP છોડીને તેમની પાર્ટીમાં જોડાઈશ, તો તેઓ મને 15 કરોડ આપશે અને મને મંત્રી બનાવશે. હું મરતા દમ સુધી આમ આદમી પાર્ટી છોડીશ નહીં.”
આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કોઈનું નામ લીધા વિના, ભાજપ પર ઉમેદવારોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો. કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્યો અને ઉમેદવારોને ફોન પર 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આજે સવારે 11.30 વાગ્યે આ મુદ્દે તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી હતી.
કેજરીવાલના આરોપો બાદ ભાજપે LG VK સક્સેનાને પત્ર લખીને આરોપોની તપાસની માંગ કરી. આ પછી LGએ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, ACB ટીમ તપાસ માટે કેજરીવાલ, સાંસદ સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી હતી.
એસીબીની ટીમે કેજરીવાલના ઘરની લગભગ દોઢ કલાક સુધી તપાસ કરી. તપાસ બાદ ટીમે કેજરીવાલને કાનૂની નોટિસ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા.
6 ફેબ્રુઆરીના રોજ 3 એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ કેજરીવાલે આ આરોપો લગાવ્યા હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 5 ફેબ્રુઆરીએ 70 બેઠકો માટે 60.54% મતદાન થયું હતું. પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે.
એસીબીની ટીમ કેજરીવાલના ઘરે પહોંચ્યા બાદ સાંસદ સંજય સિંહ પણ વકીલોની ટીમ સાથે પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, ACB ટીમ કેજરીવાલની કાનૂની ટીમ સાથે બેઠી છે. સંજય સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સંજય કહે છે કે ACB ટીમ કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વગર આવી છે.
એલજી વીકે સક્સેનાના આદેશ બાદ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ 3 ટીમો બનાવી છે. જે કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના દાવાઓ પર તેમના નિવેદનો રેકોર્ડ કરશે.
આ પણ વાંચો- રાહુલ ગાંધીનો ધડાકો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર