
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. નૈનીતાલ જિલ્લાના ભીમતાલમાં રોડવેઝની બસ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં જ SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘાયલોને ખાડામાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બસમાં 25 લોકો સવાર હતા.
બસ પિથૌરાગઢથી હલ્દવાની જઈ રહી હતી, ત્યારે ભીમતાલ નજીક આ અકસ્માત થયો. પોલીસ અને પ્રશાસનની ટીમ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
CM ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભીમતાલ બસ દુર્ઘટના અંગે એક્સ પર માહિતી શેર કરી છે. ધામીએ લખ્યું છે કે ભીમતાલ પાસે બસ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ મુસાફરોની સુરક્ષા માટે હું બાબા કેદારને પ્રાર્થના કરું છું.







