
Supreme Court: દહેજના ખોટા કેસ ઠોકી બેસાડતી પત્નીઓને હવે ઝટકો લાગશે. કારણ કે સુપ્રિ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે વૈવાહિક વિવાદોમાં ફરિયાદ કે FIR દાખલ થયા પછી બે મહિના સુધી કોઈ ધરપકડ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફરિયાદ કે કેસ દાખલ થયા પછી મામલો ફરજિયાતપણે પરિવાર કલ્યાણ સમિતિ (FWC) સમક્ષ મોકલવો પડશે.
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ એ.જી. મસીહની બેન્ચે વૈવાહિક વિવાદોમાં IPCની કલમ 498A (BNSની કલમ 85) ના દુરુપયોગને રોકવા માટે પરિવાર કલ્યાણ સમિતિ (FWC) ની રચના માટે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદાનું સમર્થન કર્યું. સુ્પ્રિમ કોર્ટે દેશભરના તમામ જિલ્લાઓમાં સંબંધિત અને સક્ષમ અધિકારીઓને ઉપરોક્ત માર્ગદર્શિકા લાગુ કરવા અને તેમના અસરકારક અમલીકરણની ખાતરી કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે વૈવાહિક વિવાદોમાં કાયદાના દુરુપયોગને રોકવા માટે હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા રક્ષણાત્મક પગલાં કાયદાના દાયરામાં છે. અલ્હાબાદ હાઇકોર્ટે જૂન 2022 માં આપેલા પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે માર્ગદર્શિકા જારી કરવાનો હેતુ વ્યાપક આરોપો દ્વારા પતિ અને તેના સમગ્ર પરિવારને વૈવાહિક વિવાદોમાં ફસાવવાના વધતા વલણને રોકવાનો છે. જો સમાધાન થાય તો કેસ બંધ કરી શકાય છે. બેન્ચે કહ્યું હતુ કે જો પરિવાર કલ્યાણ સમિતિના પ્રયાસોથી પક્ષકારો વચ્ચે સમાધાન થાય છે, તો જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને જિલ્લામાં તેમના દ્વારા નિયુક્ત અન્ય વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ ફોજદારી કેસ બંધ કરવા સહિતની કાર્યવાહીનો નિકાલ કરવા માટે સ્વતંત્ર રહેશે.
અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા
ફરિયાદ અથવા FIR દાખલ થયા પછી બે મહિના (સમાધાન અવધિ) સુધી આરોપીની ધરપકડ કે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સમાધાન સમયગાળા દરમિયાન આ બાબત તાત્કાલિક સંબંધિત જિલ્લામાં પરિવાર કલ્યાણ સમિતિ (FWC)ને મોકલવામાં આવશે. ફક્ત કલમ 498-A, કલમ 307 અને 10 વર્ષથી ઓછી સજાવાળા અન્ય કલમો હેઠળના કેસ FWC ને મોકલવામાં આવશે. દરેક જિલ્લામાં FWC ની સંખ્યા જિલ્લાના ભૌગોલિક કદ અને વસ્તીના આધારે એક અથવા વધુ હોઈ શકે છે. દરેક FWC માં ઓછામાં ઓછા ત્રણ સભ્યો હશે. FWC ના સભ્યને ક્યારેય સાક્ષી તરીકે બોલાવવામાં આવશે નહીં. FWC ની રચના અને કામગીરીની સમીક્ષા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ/મુખ્ય ન્યાયાધીશ, ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવશે.
આવા સભ્યોને FWC માં સમાવી શકાય છે (1) જિલ્લાના મધ્યસ્થી કેન્દ્રમાંથી એક યુવાન મધ્યસ્થી અથવા પાંચ વર્ષનો પ્રેક્ટિસ ધરાવતો યુવાન વકીલ. (2) સરકારી કાયદા કોલેજ અથવા NLUનો પાંચમા વર્ષનો વિદ્યાર્થી, જેનો શૈક્ષણિક રેકોર્ડ સારો છે. (3) જિલ્લાનો એક જાણીતો અને માન્ય સામાજિક કાર્યકર જેનો અગાઉનો રેકોર્ડ સ્વચ્છ છે. (4) જિલ્લામાં અથવા નજીકમાં રહેતા નિવૃત્ત ન્યાયાધીશો, જેઓ કાર્યવાહીના હેતુ માટે સમય આપી શકે છે. FWC આ રીતે કાર્ય કરશે – કલમ 498A અને IPC ની અન્ય સંલગ્ન કલમો હેઠળની દરેક ફરિયાદ અથવા FIR પછી, સમિતિ ચાર વરિષ્ઠ વડીલો સાથે બંને પક્ષોને વ્યક્તિગત વાતચીત માટે બોલાવશે અને સમધાન પીરિયડમાં તેમની વચ્ચેના મુદ્દા/ગેરસમજને ઉકેલવાનો પ્રયાસ કરશે.
યોગ્ય ચર્ચા-વિચારણા પછી સમિતિ વિગતવાર અહેવાલ તૈયાર કરશે. બે મહિનાના સમયગાળા પછી ઉપરોક્ત અહેવાલ સંબંધિત મેજિસ્ટ્રેટ/પોલીસ અધિકારીઓને મોકલવામાં આવશે. જેમની પાસે આવી ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ સમિતિ સમક્ષ ચર્ચા ચાલુ રાખશે. જેથી નામાંકિત આરોપીઓ સામે ફરિયાદના આધારે કોઈપણ ધરપકડ અથવા શિક્ષાત્મક કાર્યવાહી ટાળી શકાય. આ સમય દરમિયાન તપાસ અધિકારી કેસની તપાસ ચાલુ રાખશે, જેમ કે તબીબી અહેવાલો, ઈજાના અહેવાલો, સાક્ષીઓના નિવેદનો તૈયાર કરવા. સમિતિ દ્વારા આપવામાં આવેલાઅહેવાલ તેની ગુણવત્તા પર તપાસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ રહેશે અને ત્યારબાદ કુલિંગ(સમાધાન સમય) પીરિયડ સમાપ્ત થયા પછી તેમના દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે.
કલમ 498A અને IPC ની અન્ય સંલગ્ન કલમો સંબંધિત આવી FIR અથવા ફરિયાદોની ચકાસણી તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે,જેમની પ્રામાણિકતા ઓછામાં ઓછા એક અઠવાડિયાની ખાસ તાલીમ પછી પ્રમાણિત થાય છે, જેથી તેઓ આવા વૈવાહિક કેસોને સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે સંભાળી શકે અને તપાસ કરી શકે.
ખોટા કેસના કારણે પતિ અને સસરાને જેલવાસ ભોગવવો પડ્યો
ખોટા કેસને કારણે એક કેસમાં પતિ, સસરાને જેલમાં જવું પડ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે એક મહિલા દ્વારા તેના પતિ અને તેના સસરા વિરુદ્ધ દાખલ કરાયેલા અનેક ખોટા કેસોની સુનાવણી કરતી વખતે આ માર્ગદર્શિકા આપી હતી. જ્યારે અપીલ સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ત્યારે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને દંપતી વચ્ચે છૂટાછેડાને મંજૂરી આપી.
બેન્ચે કહ્યું કે મહિલા (પત્ની) અને તેના પરિવારે પતિ અને તેના પરિવારને ખોટા કેસમાં ફસાવ્યા. બેન્ચે કહ્યું કે ખોટા કેસને કારણે ફરિયાદી મહિલાના પતિ અને તેના પિતાને લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. પત્ની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસોમાં IPC કલમ 498A (દહેજ ઉત્પીડન), 307 (હત્યાનો પ્રયાસ) અને 376 (બળાત્કાર) હેઠળ ગંભીર આરોપો શામેલ છે, જેના પરિણામે પતિ 109 દિવસ અને તેના પિતા 103 દિવસ જેલમાં રહ્યા. યુવકે જે સહન કર્યું તેની ભરપાઈ કરી શકાતી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખોટા કેસને કારણે યુવક અને તેના પરિવારને જે કંઈ પણ નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકાતી નથી. બેન્ચે કહ્યું કે મહિલા દ્વારા માંગવામાં આવેલી જાહેર માફી નૈતિક વળતર તરીકે વાજબી ઠેરવી શકાય છે. મહિલાએ તેના પતિ અને તેના પરિવાર સામે છ અલગ-અલગ ફોજદારી કેસ દાખલ કર્યા હતા.
આ પણ વાંચો:
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
દહેજ કાયદાની જેમ મની લોન્ડરિંગ કાયદાનો પણ થઈ રહ્યો છે દુરુપયોગ; સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી