
- મૂળ યુપીની પૂજા કુશવાહ હાલ સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી.
- પૂજાનું બિમાર નવજાત બાળક 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
- ગત રાતે અચાનક ગૂમ થઇ ગયેલી પૂજાનો મૃતદેહ સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતો મળી આવ્યો.
Surat News । સુરતની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રહસ્યમય સંજોગોમાં વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી યુવતીએ 10 દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હતો.
બનાવની પ્રાપ્ત જાણકારી એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશની વતની એવી પૂજા કુશવાહ સુરતના હજીરા વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતી હતી. 26 વર્ષિય પૂજા કુશવાહ સગર્ભા હતી. ડોક્ટરે આપેલી તારીખ કરતાં 10 દિવસ અગાઉ પૂજાને વેણ ઉપાડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
10 દિવસ અગાઉ પૂજા કુશવાહે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકની તબિયત સારી ના હોઈ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.
ગઈકાલે રાત્રે પૂજા કુશવાહ અચાનક પોતાના વોર્ડમાંથી ગૂમ થઈ ગઈ હતી. ત્યાં હાજર પરિવારજનોએ હોસ્પિટલમાં શોધખોળ કર્યા બાદ અન્ય સગાં સંબંધીઓને આ અંગે જાણકારી આપતાં પૂજાના ભાઈ અમરજિત સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. બધાંએ ભેગા મળી મોડી રાત્રે બે વાગ્યા સુધી હોસ્પિટલ ઉપરાંત રેલવે સ્ટેશન સહિતના અન્ય સ્થળોએ પૂજાની સઘન શોધખોળ કરી હતી પરંતુ પૂજાનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહોતો.
આખરે પૂજાના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસનો દૌર શરૂ કર્યો હતો. આખી રાતની કવાયત છતાં પૂજાને શોધવામાં સફળતા મળી નહોતી.
આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ પાસે આવેલા વૃક્ષની ડાળી પર એક યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેને પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે દોડી આવેલી પોલીસ દ્વારા તપાસ કરાતાં મૃતદેહ પૂજા કુશવાહનો હોવાનું જાણવા મળ્યું હતું.
પૂજા કુશવાહે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં 10 દિવસના બિમાર બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસે પૂજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









