
Surat: સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ચાલતા નકલી પનીરના ગોરખધંધાને પોલીસે ખુલ્લો પાડ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-1ની ટીમે ગુપ્ત માહિતીના આધારે પુણાગામની ક્રિષ્નાનગર સોસાયટીમાં રેડ પાડીને 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી પંકજ રમણિકભાઈ ભૂતની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રાજકોટથી દરરોજ 100 કિલો નકલી પનીર લાવી સુરતની વિવિધ ડેરીઓમાં વેચતો હતો, જેનાથી હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોવાની ગંભીર ચિંતા ઉભી થઈ છે.
પનીરનો જથ્થો અત્યંત ગંદી અને અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહાયેલો
પોલીસને મળેલી બાતમી મુજબ પુણાગામની ક્રિષ્નાનગર સોસાયટીના મકાન નંબર 119માં મોટા પ્રમાણમાં નકલી પનીરનો સંગ્રહ થતો હતો. આ મકાન ખાસ ભાડે રાખીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી, જેથી આસપાસના રહેવાસીઓને કોઈ શંકા ન જાય. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી આ સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનની અંદરનું દૃશ્ય જોઈને આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. પનીરનો જથ્થો અત્યંત ગંદી અને અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહાયેલો હતો, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે તેવું હતું.
દરરોજ 100 કિલો નકલી પનીર મંગાવાતો
દરોડા દરમિયાન પોલીસે 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીર જપ્ત કર્યું હતું. આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ પંકજ રમણિકભાઈ ભૂતને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પંકજ છેલ્લા ચાર મહિનાથી આ ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યો હતો. તે રાજકોટથી દરરોજ 100 કિલો નકલી પનીર મંગાવતો અને તેને સુરતની વિવિધ ડેરીઓમાં 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતો હતો. આ મકાનમાં તેણે ખાસ સ્ટોરેજ હાઉસ બનાવ્યું હતું, જ્યાં આ નકલી પનીરનો સંગ્રહ કરવામાં આવતો હતો.
આરોપી મૂળ રાજકોટનો
પંકજ ભૂત મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંઝમેર ગામનો વતની છે અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ રહેણાક વિસ્તારમાં આ ગોરખધંધો એવી ચાલાકીથી ચલાવ્યો હતો કે કોઈને શંકા ન જાય. નકલી પનીરનો આ જથ્થો સુરતની ડેરીઓમાં વેચાઈને હજારો લોકો સુધી પહોંચ્યો હશે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા છે.
પોલીસે આરોપી પંકજ ભૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઘટનાએ શહેરના નાગરિકોને ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો:
Gujarat: શું તમે પણ દવાના નામે ચોક તો નથી ખાઈ રહ્યા? નકલી દવાના કારોબારોનો થયો પર્દાફાશ
Delhi: સોનિયા ગાંધી સામે FIR દાખલ કરવાની માંગ કોર્ટે ફગાવી, જાણો શું છે મામલો!
નાગરિકોની સુરક્ષા મુદ્દે બેદરકાર BJP સરકારે કરોડો રુપિયા ગાયબ કર્યા, હિસાબ જ નથી!
મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યું કે પંજાબની મજાક ઉડાવી? | Modi | Punjab Flood






