
UP News: પ્રયાગરાજના મેજા બ્લોકના છાપ્રો ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. વરસાદને કારણે કાચો રસ્તો કીચળમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે એક ગર્ભવતી મહિલાને તેના પરિવાર સાથે ખાટલા પર એક કિલોમીટર ચાલવું પડ્યું.
ગર્ભવતી મહિલાને ખાટલામાં હોસ્પિટલ લઈ જવી પડી
મળતી માહિતી મુજબ રાજુ આદિવાસીનાં પત્ની ખુશ્બુને સોમવારે સાંજે અચાનક પ્રસૂતિ પીડા ઉપડી. વાહનો કાદવ કીચળ વાળા રસ્તા પર પહોંચી શક્યા નહીં, તેથી પરિવારે તેમને ખાટલા પર હોસ્પિટલ લઈ જવું પડ્યું. ડોક્ટરોએ હોસ્પિટલમાં ડિલિવરી કરી જે બાદ પરિવાર મહિલા અને નવજાત શિશુને ઘરે લઈ ગયો, જ્યાં થોડા કલાકો પછી નવજાત શિશુનું મૃત્યુ થયું.
વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો
મહિલાને ખાટલા પર લઈ જવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આનાથી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. માંડાના સમાજવાદી પાર્ટીના નેતા પ્રમિલ યાદવે કહ્યું કે આ પરિસ્થિતિ સરકારની વિકાસ યોજનાઓને ઉજાગર કરી રહી છે.
અનેક રજૂઆતો છતા કોઈ કાર્યવાહી નહીં
ગામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે રસ્તાના નિર્માણ માટે પ્રધાન, સાંસદ અને ધારાસભ્યને ઘણી વખત લેખિત ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છાપરો પ્રધાન સુરેશ તિવારીના જણાવ્યા મુજબ, રસ્તા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વરસાદ સમાપ્ત થતાં જ રસ્તાનું બાંધકામ શરૂ કરવામાં આવશે.








