
India Economic Crisis: દેશની જનતાને રાત-દિવસ રાષ્ટ્રવાદના લોલીપોપ આપનારી મોદી સરકારે પાંચ રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ઢોલ-નગારા બાદ અંતે પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એક ઝાટકે ૩૦% નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે દોઢ મહિના પહેલા ₹૧૬૦૦ માં મળતો સિલિન્ડર હવે ₹૩૦૭૦ એ પહોંચી ગયો છે. આ માત્ર આર્થિક લૂંટ નથી, પરંતુ આરએસએસ (RSS) માર્કા હિન્દુત્વવાળી વિદેશ નીતિ અને ‘નાગપુર વિદ્યાલય’ માંથી નીકળેલા કથિત અર્થશાસ્ત્રીઓના બૌદ્ધિક નાદારપણાનો જીવતો જાગતો પુરાવો છે. વૈશ્વિક રાજનીતિના જટિલ પ્રવાહોને સમજવાની લાયકાત ન ધરાવતા શાસકોએ દેશના આંતરિક સામાજિક તાણાવાણાને તોડીને સત્તા મેળવી લીધી, પરંતુ આજે ૧૪૭ કરોડ ભારતીયોના વાસ્તવિક જીવનના મુદ્દાઓ સામે લડવાની તેમની દાનત અને ક્ષમતા બંને ખતમ થઈ ચૂકી છે.
ઈરાન યુદ્ધના ૪૮ કલાક પહેલા ઇઝરાયેલ સમક્ષ આત્મસમર્પણ
જાન્યુઆરી ૨૦૨૬ થી જ ઓમાનની મધ્યસ્થતા નિષ્ફળ જતાં ઈરાન પર અમેરિકી-ઇઝરાયેલી હુમલાના સ્પષ્ટ સંકેતો હતા. ભૂ-રાજનીતિના આ જટિલ વળાંક પર પોતાની ક્ષુદ્ર લઘુતાગ્રંથિ છુપાવવા અને દેખાડો કરવા માટે પીએમ મોદીએ જાણીજોઈને ઇઝરાયેલ પ્રવાસનો સમય પસંદ કર્યો. લાખો પેલેસ્ટિનીઓના નરસંહારને નજરઅંદાજ કરીને મોદીએ માત્ર ૮૦ વર્ષનો ઇતિહાસ ધરાવતા કૃત્રિમ સામ્રાજ્યવાદી દેશ ઇઝરાયેલને ‘ફાધર ઓફ ધ નેશન’ કહીને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા પર આત્મઘાતી કુહાડો માર્યો. મોદીના આવ્યાના બરાબર ૩૬ કલાક પછી ઈરાન પર હુમલો થયો અને વળતી કાર્યવાહીમાં ઈરાને ફારસની ખાડી અને હોર્મુઝની નાકેબંધી કરીને તેલ-ગેસનો પુરવઠો રોકી દીધો. અમેરિકી દબાણ સામે ઝૂકેલા મોદીના કારણે જૂના મિત્ર ઈરાનની નજરમાં ભારતની વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ, જેની આકરી કિંમત આજે ભારતીય બજાર ચૂકવી રહ્યું છે.
કોરોના કાળ જેવી મજૂરોની ભયાનક હિજરત
મોદી સરકારની આ શરણાગતિવાળી નીતિની થપ્પડ ભારતીય અર્થતંત્રને એક જ અઠવાડિયામાં વાગી ગઈ. સૌથી પહેલા સુરતનો વિખ્યાત સેરામિક અને હીરા ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો. આ કટોકટી વચ્ચે સરકારે ૧ એપ્રિલ ૨૦૨૬ થી મજૂર વિરોધી ‘ચાર શ્રમ કાયદા’ દેશ પર થોપી દીધા, જેનાથી મજૂરોની ધીરજ ખૂટી ગઈ. રાંધણ ગેસ ખરીદવાની ઓકાત ન રહેતા દિલ્હી-એનસીઆર, ગુજરાત અને પંજાબના રેલવે સ્ટેશનો પર પરપ્રાંતિય મજૂરોની ઘરવખરી સાથેની ભયાનક ભીડ ઉમટી પડી છે, જે કોરોના લોકડાઉનના કાળા દિવસોની યાદ અપાવે છે. આત્મનિર્ભરતાનો રાગ આલાપનારી સરકાર આ કટોકટીનો દોષ પણ વિપક્ષ પર મઢીને કાયરતા બતાવી રહી છે, જ્યારે વેચાયેલું ગોદી મીડિયા શાસકોની દલાલી કરવામાં વ્યસ્ત છે.
દેશ અંદરથી ખોખલો બન્યો
છેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકારે માત્ર ખરીદ-વેચાણ, ધર્મ ઉદ્યોગ, જૂઠ્ઠા પ્રચાર અને મિત્ર અદાણી જેવા ક્રોની કેપિટલિસ્ટોને પોષવામાં જ દેશની સંપત્તિ વેડફી નાખી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર સંપૂર્ણ ભાંગી પડતાં ભારત માત્ર એક ઉપભોક્તા બજાર બની ગયું છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ₹૧.૭૦ લાખ કરોડ અને ૨૦૨૫-૨૬ માં અત્યાર સુધીમાં ₹૧.૮૦ લાખ કરોડની વિદેશી મૂડી ભારત છોડીને ભાગી ચૂકી છે. ૨૦૧૧-૧૨ થી ૨૦૨૪ વચ્ચે જનતાની વાસ્તવિક આવકમાં ૧.૧% નો ઘટાડો થયો છે. નોટબંધી, જીએસટી અને અંધાધૂંધ ખાનગીકરણના કારણે કાયમી નોકરીઓ ખતમ થઈ ગઈ છે અને વચેટિયા આધારિત કરાર પ્રથા (આઉટસોર્સિંગ) નો રાક્ષસ ઊભો થયો છે. દેશમાં ગિગ વર્કર્સ (ઝોમેટો, સ્વિગી વગેરેના ડિલિવરી બોયઝ) ની સંખ્યા ૫૫% વધીને ૭૭ લાખથી ૧.૫ કરોડ થઈ ગઈ છે અને ૨૦૨૭ સુધીમાં ૨ કરોડે પહોંચશે. ઉચ્ચ શિક્ષિત યુવાનો મજબૂરીમાં આ અસુરક્ષિત રોજગાર તરફ ધકેલાયા છે, જેના લીધે ૧૮ થી ૩૪ વર્ષના ૬૦% યુવાનો ભયાનક માનસિક તણાવનો શિકાર બન્યા છે.
ઔપચારિક ક્ષેત્રમાં ૪૧% કરાર આધારિત ગુલામી
ઔપચારિક ક્ષેત્ર (ફોર્મલ સેક્ટર) માં ૧૦ વર્ષ પહેલા કરાર આધારિત મજૂરો માત્ર ૨૦% હતા, જે આજે વધીને ૪૧% થઈ ચૂક્યા છે. સરકારી કચેરીઓ, શિક્ષણ અને આરોગ્ય જેવા સંવેદનશીલ વિભાગોમાં પણ ડ્રાઈવર, પટાવાળાથી લઈને ડૉક્ટર, પ્રોફેસર અને એન્જિનિયર જેવા વ્યાવસાયિકોને કાયમી નોકરીના બદલે ફિક્સ સેલરી અને ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ પર રાખીને મધ્યમવર્ગની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે. દેશની સેનાને પણ ‘અગ્નવીર’ યોજનાના નામે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ધકેલી દેવાઈ છે. દેશની ૯૦ કરોડની કાર્યશીલ વસ્તીમાં દર પાંચમાંથી એક પુરુષ બેરોજગાર છે. દિલ્હી, હરિયાણા અને યુપીમાં ₹૧૧ હજારના નજીવા વેતન સામે મજૂરોના આક્રોશ બાદ હરિયાણાએ ૩૦% અને યુપીએ ૨૧% વેતન વધારાની લોલીપોપ આપી છે, પણ જમીની સ્તરે લૂંટ ચાલુ જ છે. આના લીધે ટેક્સ કલેક્શન ઘટ્યું છે અને સરકાર સંપૂર્ણપણે દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે.
ઈરાનની નાકેબંધી સામે તેલના ભાવ ડબલ
યુદ્ધ પહેલા જે ક્રૂડ ઓઈલ ભારતમાં ₹૫૫-૫૬ માં પહોંચતું હતું, તે ઈરાનની નાકેબંધી અને ભારતની ખોટી વિદેશ નીતિના કારણે હવે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ₹૧૨૦ થી ₹૧૨૫ ના બમણા ભાવે આયાત કરવું પડી રહ્યું છે. ભૂતકાળમાં ₹૫૫ નું તેલ ₹૧૧૦ માં વેચીને જનતા પાસેથી ₹૧૦ લાખ કરોડનો નફો ખાનારી મોદી સરકારના હાથ-પગ હવે ફૂલવા લાગ્યા છે કારણ કે હવે આ નુકસાનની ભરપાઈ કરવા તેમની પાસે કોઈ રસ્તો નથી. એવિએશન ઉદ્યોગ બરબાદ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં પેટ્રોલીયમનું રેશનિંગ કરવું પડશે. આગામી સીઝનમાં યુરિયા ખાતરની ભયાનક અછત થવાની છે, જેના લીધે દેશનો આખરી સહારો એવું કૃષિ ક્ષેત્ર પણ તબાહ થઈ જશે. આ આર્થિક બોજ સરભર કરવા નવી શિક્ષણ નીતિ (NEP) ના નામે યુનિવર્સિટીઓની ૫૦% સીટો ખુલ્લા બજારમાં વેચવાનો કારસો ઘડાયો છે, જેથી ગરીબો શિક્ષણથી વંચિત રહે.
અમિત શાહના દમનનો નવો એજન્ડા
માઓવાદીઓના સફાયા માટે ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરેલી ૩૧ માર્ચ ૨૦૨૬ ની ડેડલાઇન બાદ, હવે સરકારી દમનનો દાયરો ટ્રેડ યુનિયનો, પ્રગતિશીલ પત્રકારો, લેખકો અને બુદ્ધિજીવીઓ સુધી લંબાવી દેવાયો છે. કોર્પોરેટ ફાસીવાદ વિરુદ્ધ ૩૦૦ થી વધુ ડાબેરી-લોકશાહી લેખકો અને ગાંધીવાદીઓ મેદાને પડ્યા છે. દુર્ભાગ્યની વાત એ છે કે સામાજિક ન્યાયના ધ્વજવાહક ગણાતા વિપક્ષી પક્ષો અને એક ફાયરબ્રાન્ડ દલિત નેતા (જે હાલમાં અમેરિકી શક્તિઓના પ્રાયોજિત પ્રવાસે છે) સત્તાની ભાગીદારી માટે આ સરમુખત્યારશાહી સામે તકવાદી મૌન ધારણ કરીને બેઠા છે. દેશ અત્યારે ૧૯૩૦-૪૦ ના દાયકા જેવા સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. જનતા પાસે હવે બે જ રસ્તા બચ્યા છે – કાં તો એક થઈને બંધારણ અને લોકશાહી બચાવવાની આ લડત જીતવી, અથવા ફાસીવાદની આ ભારતીય આવૃત્તિમાં ગુલામ બનીને જીવવું.
આ પણ વાંચો:







