
Ahmedabad suicide News: અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે એક દુ:ખદ અને ચોંકાવનારી ઘટના બની છે. એક અજાણ્યા યુવકે (અંદાજિત 35 વર્ષ) પાર્ક કરેલી ટ્રક નીચે સૂઈને આત્મહત્યા લેતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પામ હોટલ નજીક બની છે, જ્યાં વાહનોની અવરજવર ચાલુ હતી. ઓઢવ પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે, અને યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પુષ્ટિ કરી છે કે આ આત્મહત્યાનો કેસ છે, પરંતુ યુવકનું નામ કે આ યુવકે આપઘાતનું પગલું કેમ ભર્યું તે સામે આવ્યું નથી.
મળતી જાણકારી અનુસાર આજે સવારે નિકોલ વિસ્તારમાં પામ હોટલ વાહનોની અવરજવર શરૂ થઈ રહી હતી. તે સમયે અંદાજે 35 વર્ષનો એક યુવક રસ્તા પર આવેલી પાર્ક કરેલી ટ્રક પાસે ઉભો હતો. તેણે ટ્રક શરૂ થવાની રાહ જોઈ, અને જેવી ટ્રક ચાલુ થઈ, તે ઝડપથી ટ્રકના ટાયર નીચે સૂઈ ગયો. ટ્રક ચાલકને આની જાણ થાય તે પહેલાં જ ટ્રક યુવક પરથી પસાર થઈ ગઈ, અને માત્ર ગણતરીની સેકેન્ડોમાં યુવકના ઘટના સ્થળે રામ રમી ગયા.
આ ઘટના એટલી ઝડપી બની કે આસપાસના લોકો અને ટ્રક ડ્રાઈવરને યુવકને રોકવાનો સમય જ ન મળ્યો. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ
ઓઢવ પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતના ગુના તરીકે નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં યુવકની આત્મહત્યાનું સ્પષ્ટ દૃશ્ય જોવા મળ્યું. ફૂટેજમાં દેખાય છે કે યુવકે સ્વચ્છાએ ટ્રક શરૂ થવાની રાહ જોઈ અને તેના પૈડાં નીચે સૂઈ જાય છે. આના આધારે પોલીસે આ ઘટનાને આત્મહત્યા તરીકે ગણાવી છે.
ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એન. ઝીંઝુવાડિયાએ જણાવ્યું, “મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. તેના ખિસ્સામાંથી કોઈ સુસાઈડ નોટ, ઓળખપત્ર કે અન્ય કોઈ વસ્તુ મળી નથી. અમે સીસીટીવી ફૂટેજના દ્વારા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરીને યુવકની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તેના પરિવારજનોનો સંપર્ક કરવા માટે પોલીસ ટીમ સક્રિય છે.
કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી
પોલીસે જણાવ્યું કે યુવકના ખિસ્સામાંથી કોઈ ઓળખપત્ર, મોબાઈલ ફોન, કે અન્ય વસ્તુ મળી નથી, જેના કારણે તેની ઓળખ સ્થાપિત કરવામાં મુશ્કેલી થઈ રહી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસવાનું શરૂ કર્યું છે અને સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, સીસીટીવી ફૂટેજના આધારે યુવકના ચહેરાની ઓળખ કરવા માટે ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે.
આ ઘટનાએ નિકોલ વિસ્તારના રહેવાસીઓમાં ચોંકાટી ફેલાવી છે. યુવકે આટલો ભયાનક નિર્ણય શા માટે લીધો તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી. સામાન્ય રીતે આત્મહત્યાના કેસોમાં સુસાઈડ નોટ કે અન્ય સંદેશ મળી આવે છે, પરંતુ આ કેસમાં યુવકના ખિસ્સામાંથી કોઈ ચિઠ્ઠી કે સંદેશ મળ્યો નથી. આના કારણે પોલીસને યુવકના માનસિક સ્થિતિ કે તેના આત્મહત્યાના હેતુ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.
સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે યુવક કદાચ માનસિક તણાવ, આર્થિક સમસ્યા કે અન્ય વ્યક્તિગત કારણોસર આ પગલું ભર્યું હશે. જોકે, પોલીસે આવા કોઈ દાવાની પુષ્ટિ કરી નથી અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવા જણાવ્યું છે.