
કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. જયરામ રમેશે કહ્યું કે, અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. હવે 26 જાન્યુઆરી, 2025થી અમે એક વર્ષ સુધી ચાલનારી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ નો પ્રારંભ કરીશું.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલવું જોઈએ. સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ સાથે વહેલામાં વહેલી તકે સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરીની માંગણી કરતી દરખાસ્ત પણ કરાઈ હતી.
ગરીબોને રાહત આપવા માગ
CWCએ વધતી કિંમતો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ બજેટમાં ગરીબોને આર્થિક મદદ કરવા અને મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત આપવા સરકારને વિનંતી કરી હતી. CWCએ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
ખડગેની EVM હટાવવાની છે માગ
તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ બંધારણ બચાવવા સહિત EVM હટાવવા માગ કરી હતી. સાથે જ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે હવે ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’માં EVMને હટાવવાની માગ પણ કરાશે. તેમજ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તે માટે માગ કરવામાં આવશે. આ પદયાત્રામાં મોટી સંખ્યમાં લોકોને જોડવાનું આયોજન છે.