
Gujarat Politics: ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું સ્થાન હવે જગદીશ પંચાલે (વિશ્વકર્માએ) સંભાળ્યું છે અને સંગઠનમાં જાણીતા થાય તે પહેલાં ઘણું બધું બન્યું છે, લુણાવડામાં ભાજપના નપા પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો ખુદ ભાજપના સભ્યોએ લગાડ્યા છે અને ફરિયાદ કરી છે. તે જ રીતે ચલાલામાં પણ ભાજપના પ્રમુખ-ઉપ પ્રમુખ સામે ભાજપના જ સભ્યો ગેરરીતિઓના આક્ષેપ કરીઅવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે, સિક્કામાં ભાજપમાં અસંતોષ અને પક્ષ પલટો, રાજકોટમાં અસંતોષ અને અગેવાનોનો પક્ષ પલટો આ સિવાય એપીએમસીમાં પણ ભાજપમાં બળવો,વડોદરા એપીએમસી ચૂંટણી દરમિયાન ભાજપ સામે ભાજપ જોવા મળ્યું.
આ સિવાય અનેક શિસ્તભંગની ફરિયાદ ઉઠી છે જેમાં પક્ષના સુરત કાર્યાલયમાં ભાજપના જ આગેવાનો વચ્ચે મારામારી હોય કે પછી જાહેરમાં કેક કાપવાના મામલા હોય. ટૂંકમાં ઘણી એવી ઘટનાઓ બની કે જાણે ભાજપનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. નવાઈની વાત તો એ હતી કે પીએમ મોદી-અમિત શાહ જેવા નેતાઓ ગુજરાતમાં હતા ત્યારે પણ ખટરાગ અને પક્ષ પલટા ચાલુ રહયા હતા. આ દરમિયાન આમ-આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાની વ્યૂહરચના ગોઠવી રાજકારણની શતરંજના પ્યાદા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
હવે મોડે મોડે હમણાં થોડા ફ્રી થયેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક નિર્ણય લીધો છે. જેમાં હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક સીધી કરવામાં નહિ આવે તેવું નક્કી થયું છે હવેથી ‘સેન્સ’ (સર્વસંમતિ/મત લેવા)ના આધારે જ થશે. પરિણામે હવેથી શહેર-જિલ્લા પ્રમુખો પોતાની રીતે ટીમ બનાવી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારસુધી શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના અને મળતિયા લોકોને સંગઠનમાં હોદ્દા ફાળવી દેતા હતા જેના કારણે આંતરીક અસંતોષની ફરિયાદો ઉઠતી હતી. જેમાં અસંતોષનું એક કારણ આ પણ હોવાનું ધ્યાને આવતા જગદીશ વિશ્વકર્માએ આ પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે શહેર કે જિલ્લા પ્રમુખ હવેથી પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નીમી શકશે નહીં અને સંગઠનમાં સેન્સના આધારે વફાદાર તથા પાયાના કાર્યકરોને તક આપવાનું નક્કી થયું છે.
નવા સંગઠનમાં નિમણૂકો માટે કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે અને 82 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ રાજ્યના દરેક જિલ્લા અને મહાનગરોમાં પહોંચીને સેન્સ લેશે. આગામી 10 નવેમ્બર સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. દરેક જિલ્લા અને મહાનગરોમાં મહામંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રી અને કોષાધ્યક્ષ જેવા હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. તૈયાર કરાયેલી આ તમામ પેનલો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવશે, જેઓ અંતિમ નિર્ણય લેશે.
ભાજપ એવું માને છે કે આ પ્રક્રિયાથી પક્ષની શિસ્ત અને નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતા વધશે. જો કે આ નિર્ણયથી શહેર અને જિલ્લા પ્રમુખોની સંગઠન પરની સ્વતંત્રતા અને પ્રભાવ પર કાપ આવતા તેઓમાં કચવાટ વધી શકે છે.
રાજ્યમાં પક્ષમાં અસંતોષ ખાળવા અને ફરી શિસ્ત લાવવા જો જગદીશ વિશ્વકર્માનો આ ‘સેન્સ’ આધારિત નિમણૂકનો પ્રયોગ ગુજરાતમાં સફળ રહ્યો તો તેને રાષ્ટ્રીય લેવલે અજમાવવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે ત્યારે હવે ભાજપમાં પ્રવર્તી રહેલી હાલની સ્થિતિ સુધારવા ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલે પોતાના સમર્થકો સાથે કાઉન્ટ ડાઉન શરૂ કરી દીધું છે જે કેટલું સફળ રહેશે તેતો સમય જ કહેશે.
આ પણ વાંચો:
Surat: કોસંબા નજીકથી બેગમાં ભરેલી મહિલાની લાશ મળતાં ખળભળાટ, જાણો પોલીસે શું કહ્યું?
મહિલા વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું, દેશમાં ખુશીનો માહોલ | Women World Cup
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ








