
ભારત સરકાર દર વર્ષે 1 જુલાઈએ GST દિવસ ઉજવે છે. જેને આજે 8 વર્ષ થઈ ગયા છે. દેશના સૌથી મોટા કર સુધારાઓમાંના એક GSTને સુવ્યવસ્થિત કર માળખામાં એકીકૃત કરવામાં મદદ મળી હોવાનું મોદી સરકાર માની રહી છે. જો કે રાહુલ ગાંધીએ મોદી સરકારની GST વ્યવસ્થા સામે સવાલો કર્યા છે. રાહુલ ગાંધી તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરી સરકારની ટીકા કરી છે. સાથે જ GST લાગુ થયા બાદ નાના વેપારીઓને કેવી મુશ્કેલીઓ આવી છે. તે અંગે ચિતાર આપ્યો છે.
વર્ષ 2017માં મોદી સરકારને GST વ્યવસ્થા લાગુ કરી હતી. મોદી સરકારે GST 8 વર્ષ પહેલાં ‘સારો અને સરળ કર’ તરીકે રજૂ કર્યો હતો. તે હવે ગરીબો, નાના વેપારીઓ અને રાજ્યો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. ઘણા લોકોનું માનવું છે કે આ કર વ્યવસ્થા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા અને નાના વ્યવસાયો તેમજ સામાન્ય નાગરિકોને હેરાન કરવા માટે બનાવવામાં આવી છે.
સરળતાનું વચન, જટિલતાની હકીકત
રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને ભારતની કરવેરા પ્રણાલીને સરળ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પાંચ સ્તરની કર રચના (0%, 5%, 12%, 18%, 28%) અને 900થી વધુ ફેરફારોએ તેને જટિલ બનાવી દીધું છે. પોપકોર્નથી લઈને ક્રીમ બન સુધીની વસ્તુઓની કર ગણતરી સામાન્ય વેપારીઓ માટે માથું ખંજવાળતી બની છે.
GST પોર્ટલની ટેકનિકલ સમસ્યાઓ અને જટિલ નિયમો નાના વેપારીઓને રોજ હેરાન કરે છે, જ્યારે મોટા કોર્પોરેટ્સ તેમના નિષ્ણાત એકાઉન્ટન્ટ્સની મદદથી સરળતાથી આગળ વધે છે.
‘8 વર્ષમાં લગભગ 18 લાખ નાના ઉદ્યોગો બંધ’
ભારતની અર્થવ્યવસ્થાને ટેકો આપતા નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર GST ની સૌથી વધુ માઠી અસર થઈ છે. છેલ્લા 8 વર્ષમાં લગભગ 18 લાખ નાના ઉદ્યોગો બંધ થયા હોવાનો અંદાજ છે. જટિલ ફાઈલિંગ અને રોકડ પ્રવાહની સમસ્યાઓએ આ ઉદ્યોગોની કમર તોડી નાખી છે, જે દેશમાં રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે.
સામાન્ય નાગરિકો પર બોજ
ચા, આરોગ્ય વીમો અને રોજિંદી વસ્તુઓ પર જીએસટી લાગુ થાય છે, જેનો બોજ સામાન્ય નાગરિકો પર પડે છે. બીજી તરફ મોટા કોર્પોરેટ્સને દર વર્ષે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની કર રાહત મળે છે, જેનાથી સરકાર પર ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો આરોપ લાગે છે.પેટ્રોલ-ડીઝલ બહાર કેમ?
પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેની અસર ખેડૂતો, ટ્રાન્સપોર્ટર્સ અને સામાન્ય લોકો પર પડે છે. આ નિર્ણય રાજ્યોની આવક અને રાજકીય કારણોને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મનાય છે, પરંતુ તેનાથી બળતણના ભાવ ઊંચા રહે છે.
રાજ્યો સાથે ભેદભાવ
જ્યા ભાજપ સરકાર નથી ત્યા જેમ કે પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબે દાવો કર્યો છે કે તેમના GSTના હિસ્સાની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવે છે. આનાથી કેન્દ્ર સરકાર પર રાજકીય ભેદભાવનો આરોપ લાગે છે, જે ભારતના સંઘીય ઢાંચાને નબળો પાડે છે.
યુપીએના સપનાનો ભંગ:
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું GSTનો વિચાર યુપીએ સરકારે આગળ ધર્યો હતો, જેનો હેતુ ભારતના બજારોને એકીકૃત કરી કરવેરા પ્રણાલીને સરળ બનાવવાનો હતો. પરંતુ ખરાબ અમલીકરણ, તકનીકી સમસ્યાઓ અને અધિકારીઓની દખલગીરીએ આ સપનાને નિષ્ફળ બનાવ્યું છે.
GSTને સામાન્ય લોકો અને નાના વેપારીઓ માટે ઉપયોગી બનાવવા વેરા સ્તરોને સરળ કરવા, પેટ્રોલ-ડીઝલને તેના દાયરામાં સામેલ કરવા અને રાજ્યોને ન્યાયી વળતર આપવું જરૂરી છે. ભારતને એવી કરવેરા પ્રણાલીની જરૂર છે જે ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના હિતમાં કામ કરે, નહીં કે ફક્ત થોડા ઉદ્યોગપતિઓના ફાયદા માટે.