
Sagbara Farmers Protest: સુરત જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે જમીનના ઉપયોગને લઈને ફરી એકવાર તણાવ સર્જાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જે જમીન પર ખેતી કરતા આવ્યા છે ત્યાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો બળદ અને હળ લઈને જમીન ખેડવા પહોંચ્યા ત્યારે વનકર્મીઓએ તેમને રોક્યા હતા, જેના પગલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી.
વન વિભાગના પ્લાન્ટેશન સામે ખેડૂતો ખેડાણ કરવા પહોંચ્યા
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેઓ 20થી 22 વર્ષથી આ વિસ્તારમાં ખેતી કરી રહ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તેમને જમીનના અધિકારપત્ર આપવાની ખાતરી આપી રહી છે તો પછી તેમને પોતાની જમીન પર ખેતી કરતા કેમ રોકવામાં આવી રહ્યા છે?
ખેડૂતોનો આરોપ છે કે વન વિભાગના કર્મચારીઓ ખેતરમાં આવીને તેમને ખેડાણ કરતા અટકાવતા હતા. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ, વનકર્મીઓએ તેમને ખેતરમાંથી હટી જવા અને અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે વાહનમાં બેસવાનું કહ્યું હતું. જોકે, વન વિભાગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે કે કર્મચારીઓએ ખેડૂતોને વાહનમાં બેસવાનું કહ્યું જ નહોતું.
‘ગાંધીનગરથી આદેશ છે’ હોવાનો વન વિભાગ પર ખેડૂતોનો આરોપ
ખેડૂતોની આગેવાની કરી રહેલા લીલાબેન વસાવાના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળે હાજર અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે ઉપરથી આદેશ મળ્યો છે અને ગાંધીનગરથી સૂચના છે કે ખેડૂતોને ત્યાં ખેતી કરવા દેવી નહીં. ખેડૂતોનો દાવો છે કે આ સૂચના સુરતના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી હોવાનું પણ જણાવાયું હતું.
આ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. લીલાબેન વસાવાના જણાવ્યા મુજબ, તેમણે મનસુખ વસાવાને ફોન કરીને સ્થળ પર આવવા વિનંતી કરી હતી. બાદમાં અધિકારીઓ સાથે વાતચીત થઈ અને ખેડૂતોને વાહનોમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
90 દિવસમાં અધિકારપત્ર આપવાની ખાતરીનો દાવો
ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન અધિકારપત્રને લઈને છે. લીલાબેન વસાવાના જણાવ્યા પ્રમાણે અગાઉ સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવી હતી કે જમીન ખેડૂતોની જ છે અને 90 દિવસની અંદર તેમને અધિકારપત્ર આપવામાં આવશે. ખેડૂતોનો દાવો છે કે આ ખાતરી છતાં હજુ સુધી અધિકારપત્ર મળ્યા નથી અને બીજી તરફ વન વિભાગ તેમને ખેતી કરતા રોકી રહ્યું છે.
ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે જો જમીન પર તેમનો દાવો માન્ય કરીને અધિકારપત્ર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો ત્યાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કેમ કરવામાં આવી રહ્યું છે? ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષ ઉપરાંત અગાઉના વર્ષોમાં પણ અહીં રોપાઓ વાવવામાં આવ્યા છે અને હવે આ છોડ મોટા થઈ રહ્યા છે.
ઉમરપાડાના ખેડૂતોને મંજૂરી, સાકબારાના ખેડૂતો સામે રોકનો આક્ષેપ
ખેડૂતો દ્વારા વન વિભાગ સામે ભેદભાવનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે ઉમરપાડા વિસ્તારના કેટલાક ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરી રહ્યા છે અને તેમને રોકવામાં આવતા નથી, જ્યારે સાકબારા તાલુકાના ખેડૂતોને ખેતી કરતા અટકાવવામાં આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે જો એક જ પ્રકારના જમીન અને અધિકારના પ્રશ્નોમાં અલગ અલગ વ્યવહાર કરવામાં આવે છે તો તેનું કારણ સરકાર અને વન વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ. ખેડૂતોનો આરોપ છે કે તેઓને ચારો કાપવા અને અન્ય રોજિંદા ખેતી આધારિત પ્રવૃત્તિઓમાં પણ મુશ્કેલી ઊભી કરવામાં આવી રહી છે.
25 દિવસના ધરણા બાદ પણ ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ
લીલાબેન વસાવા અને ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ આ મુદ્દે 25 દિવસ સુધી ધરણા કરી ચૂક્યા છે. વિવિધ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સ્પષ્ટ ઉકેલ ન મળતાં હવે ખેડૂતો થાકી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમના માટે ખેતી જ પરિવારના ભરણપોષણનો મુખ્ય આધાર હોવાથી જમીન પર ખેતી ન કરી શકવાની સ્થિતિ ગંભીર સમસ્યા બની રહી છે.
લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે જો આગામી 4થી 5 દિવસમાં અધિકારપત્ર અંગે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ખેડૂતો દ્વારા હિંસાનો રસ્તો અપનાવવામાં આવ્યો નથી, પરંતુ સતત વિલંબથી હવે આક્રોશ વધી રહ્યો છે.
લીલાબેન વસાવાએ BJPના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ
આંદોલનની આગેવાની કરી રહેલા લીલાબેન વસાવાએ પોતાના વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે બે વર્ષથી તેઓ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમ છતાં તેમનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી.
લીલાબેનનો સવાલ છે કે જો પાર્ટી તેમનું રાજીનામું સ્વીકારતી નથી અને તેમને પદ પર યથાવત રાખવા માગે છે, તો તેમના વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો અને તેમની રજૂઆતો કેમ સાંભળવામાં આવતી નથી?
કલેક્ટર અને વન વિભાગની ભૂમિકા પર પણ સવાલ
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, સુરત કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ અધિકારીઓએ ખેડૂતો પાસે જમીન પર ખેતી કર્યાના પુરાવા અને દાવા સંબંધિત દસ્તાવેજો અંગે સવાલો ઉઠાવ્યા હતા. ખેડૂતોનો દાવો છે કે તેમના પેન્ડિંગ દાવા સંબંધિત ફાઇલો ટ્રાઇબલ વિભાગ પાસે ઉપલબ્ધ છે અને 12 ગામોના ખેડૂતોના દાવા TSP સંબંધિત પ્રક્રિયામાં પેન્ડિંગ છે.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો અધિકારપત્ર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે તો ખેડૂતોને ત્યાં સુધી ખેતી કરવાની મંજૂરી શા માટે નથી? સરકાર ખેડૂતોને અધિકારપત્ર આપવાની ખાતરી આપે છે અને વન વિભાગ તેમને જમીન પર પ્રવેશ કે ખેડાણથી રોકે છે તો બંને વચ્ચે સંકલન કોણ કરશે?
સરકાર સામે ખેડૂતોનો સીધો સવાલ: અધિકારપત્ર ક્યારે મળશે?
ખેડૂતોનું કહેવું છે કે તેમને સરકાર તરફથી સ્પષ્ટ લેખિત અધિકારપત્ર આપવામાં આવે, જેથી વન વિભાગના કર્મચારીઓને પણ બતાવી શકાય કે આ જમીન અંગે સરકારની પ્રક્રિયા સ્પષ્ટ છે અને ખેડૂતોને ખેતી કરવાનો અધિકાર આપવામાં આવશે.
હવે સરકાર સામે સવાલ છે કે 22 વર્ષથી ખેતી કરવાનો દાવો કરતા ખેડૂતોના જમીન અધિકારના દાવાઓનો અંતિમ નિર્ણય ક્યારે આવશે? 90 દિવસમાં અધિકારપત્ર આપવાની અગાઉની ખાતરી અંગે શું પ્રગતિ થઈ? વન વિભાગને ખેડૂતોને ખેતીથી રોકવાના આદેશ કોણે આપ્યા? જો ગાંધીનગરથી કોઈ આદેશ આપવામાં આવ્યો હોય તો તે લેખિતમાં જાહેર કેમ કરવામાં આવતો નથી?
અને જો સરકાર ખરેખર ખેડૂતોને અધિકારપત્ર આપવા જઈ રહી છે, તો ત્યાં વન વિભાગનું પ્લાન્ટેશન ચાલુ રાખવાનું કારણ શું છે? ખેડૂતોના દાવા, વન અધિકાર સમિતિની પ્રક્રિયા અને વન વિભાગની કાર્યવાહી વચ્ચે સંકલન નહીં થાય તો એક જ જમીન અંગે સરકારના બે અલગ વલણો ક્યારે સુધી ચાલુ રહેશે? હાલ ખેડૂતો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે, ત્યારે સરકાર આ વિવાદનો લેખિત અને સમયબદ્ધ ઉકેલ લાવે છે કે નહીં તેના પર નજર રહેશે.








