
- પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ; ચાર મહિલાઓના મોત
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કલ્યાણી વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં શુક્રવારે (7 ફેબ્રુઆરી) બપોરે ભયંકર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. વિસ્ફોટ બાદ આગ લાગતા આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓના અનુસાર, વિસ્ફોટ બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને કલ્યાણીના જેએનએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમાચાર એજન્સી ANIના એક પોલીસ અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, વિસ્ફોટમાં આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ અને ચાર લોકોના મોત થયા.
કલ્યાણીથી ભાજપના ધારાસભ્ય અંબિકા રાયે આરોપ લગાવ્યો કે, તંત્રની મદદથી ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
અંબિકા રાયે આ દુઃખદ ઘટનામાં ચાર મહિલાઓ અને એક બાળક સહિત પાંચ લોકો માર્યા હોવાનું જણાવ્યું છે.
તે ઉપરાંત તેમણે કહ્યું કે, અહીં આ પ્રકારની અનેક ઘટનાઓ બની રહી છે. અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ મળ્યા હતા. શું એ શક્ય છે કે પોલીસને આ વાતની માહિતી ન હતી કે અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ રાખેલા હતા? મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. આ ઘટનાની NIA તપાસની માગ કરું છું. અમે આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવીશું.
આ પણ વાંચો- ખ્યાતિ હોસ્પિટલ કાંડ: પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 5670 પાનાની ચાર્જશીટ