
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે એટલે કે 26 ડિસેમ્બર, 2024ની રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લાવવામાં આવ્યા હતા. તેઓ ઘરે બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલની પ્રેસ રિલિફ અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમજ આવતીકાલના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે. મોડી રાત્રે દિલ્હી પહોંચશે મનમોહન સિંહના નિધન પર રાહુલે લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુને ગુમાવ્યા છે.
મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન હતા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. આ પહેલા પણ તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ એઈમ્સ પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી પણ થોડા સમયમાં એઈમ્સ પહોંચી શકે છે. કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે.





