
Delhi blast accused Dr. Umar | દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટના ચકચારી આતંકી ઘટનાના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ આજે શુક્રવારે IED વિસ્ફોટથી નષ્ટ કરી દીધુ હતું.
આતંકવાદ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીના ભાગ રૂપે ડૉ. ઉમર મોહમ્મદના ઘરને ઉડાવી દેવાયું હતું. સુરક્ષા દળોએ આ ઓપરેશનને અંજામ આપતા પહેલા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સંપૂર્ણ સાવચેતી સાથે આ કાર્યવાહી પૂરી કરી હતી. આ પગલું આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વોને કડક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે.
દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે અને ગઈકાલે ગુરુવારે ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી વિસ્ફોટ સાથે જોડાયેલી વધુ એક કાર મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર ડૉ. શાહીન શાહિદના નામે નોંધાયેલી છે, જેમની “વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ” કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફરીદાબાદ પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ યુનિવર્સિટીમાંથી મળી આવેલી શંકાસ્પદ મારુતિ બ્રેઝા કારની તપાસ કરી રહી છે. યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલા અન્ય વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેમના માલિકોની માહિતી ચકાસવામાં આવી રહી છે. એન્ક્રિપ્ટેડ સ્વિસ એપનો ઉપયોગ કરીને આતંકવાદી કાવતરું ઘડવામાં આવ્યું હતું
તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટના મુખ્ય આરોપીઓ, ડૉ. ઉમર મોહમ્મદ, ડૉ. મુઝમ્મિલ અહેમદ અને ડૉ. શાહીન શાહિદે એન્ક્રિપ્ટેડ સ્વિસ મેસેજિંગ એપનો ઉપયોગ કરીને તેમના આતંકવાદી મિશનનું આયોજન અને સંકલન કર્યું હતું. મહત્વનું છે કે વિસ્ફોટ સ્થળેથી મળેલા ડીએનએ નમૂનાઓથી પુષ્ટિ થઈ છે કે ડૉ. ઉમર લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ચલાવી રહ્યો હતો. ગુરુવારે હરિયાણાના નુહમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં પિનંગવાના એક ખાતર અને બીજ વેચનારની અટકાયત કરવામાં આવી હતી. એવી શંકા છે કે આરોપીએ આ દુકાનમાંથી મોટી માત્રામાં NPK ખાતર ખરીદ્યું હતું.
વધુમાં, તપાસ ટીમે બુધવારે ફરીદાબાદના ખંડાવલી ગામમાં મોડ્યુલની બીજી કાર – લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ – જપ્ત કરી હતી. ફરીદાબાદ પોલીસે ગામમાં આ કાર પાર્ક કરનાર વ્યક્તિની ધરપકડ કરી અને તેને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ IED પરિવહન કરવા માટે ત્રણ કાર ખરીદી હતી.
પરિણામે, દિલ્હી પોલીસે શહેરના તમામ પોલીસ સ્ટેશનો, ચેકપોઇન્ટ્સ અને સરહદી સ્થળોએ એલર્ટ જારી કર્યુ હતું હાલમાં તપાસ ચાલુ છે ત્યારે આતંકીઓમાં દહેશત ઉભી કરવા તપાસ એજન્સીઓ દ્વારા આજે શુક્રવારે ડૉ. ઉમરના પુલવામા સ્થિત ઘરને નિયંત્રિત IED વિસ્ફોટથી ધ્વસ્ત કરી દીધું છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો







